Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

ભવનાથ મંદિરમાં પાંચ દિવસ ચાલશે મેળો : કોરોનાને લઈને ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો પુરતો મેળો સિમિત રહેશે : જાહેર જનતા માટે મેળામાં પ્રવેશબંધી

જૂનાગઢ, તા. ૭ : ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો. ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધવ્જારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. કોરોનાને લઈને ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો પુરતો મેળો સિમિત રહેશે. ભવનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પાંચ દિવસ ચાલનારા મેળામાં જાહેર જનતા માટે પ્રવેશબંધી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે લોકો પાસ સાથે પ્રવેશ કરે છે તેમનું પણ મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. 

જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહા વદ નોમથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થાય છે. પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી શાસ્ત્રોક્ત પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ માત્ર સાધુ સંતો દ્વારા જ પૂજા વિધિ કરવામાં આવી રહી છે. ભવનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના સાથે પાંચ દિવસ સુધી હર હર મહાદેવના નાદ સાથે મેળો ચાલશે.

ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ થતાંની સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થાય છે. સાધુ સંતો, જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પદાધિકારીઓ દ્વારા પૂજા વિધિ સાથે ધ્વજારોહણ સંપન્ન થયું હતું. જેમાં અખાડા પરિષદના સંરક્ષક હરીગીરીજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ, દિલ્હીના પૂર્વ સાંસદ અને ગુરૂ દત્તાત્રેય કમંડલ કુંડ સંસ્થાનના સ્વામી મહેશગીરીજી, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જીલ્લા કલેકટર સૌરભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા, એસ.પી. રવિ તેજા વાસમશેટ્ટી, મનપાના પદાધિકારીઓ સહીતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:45 pm IST)