Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ઉનામાં સિંધી સમાજના સમૂહલગ્નમાં પાંચ યુગલો લગ્નના બંધનમાં બંધાયા

મહિલા મંડળ દ્વારા વરવધુની વેલકમ એન્ટ્રી અને ઐતિહાસિક પાલખીયાત્રા આકર્ષણનું કેન્દ્ર

ઉના: ગીર સોમનાથના ઉના ખાતે લાડી લોહાણા સિંધી પંચાયતના સહયોગ અને સ્વર્ગસ્થ શેઠ રૂપચંદ લાલવાણીની પ્રેરણા તેમજ સ્વર્ગસ્થ શેઠ ઉધારામ જેઠવાણીના આશીર્વાદથી, પરમ પૂજ્ય સિદ્ધ ગુરૂ રાજા સોમનાથ સમૂહ વિવાહ સમિતિ દ્વારા સિંધી સમાજના તેરમાં સમૂહલગ્ન સોમનાથ બાગ ખાતે લગ્નમંડપમાં સંપન્ન થયા હતા. જેમાં પાંચ યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા.

 આ અવસરે ઉત્તરપ્રદેશના આગ્રાથી સોમનાથ ધામના મઠ્ઠાધીશ પીર ડૉ. શંકરનાથ યોગીજી તથા ગોધરાથી સ્વામીની પરમાનંદા સરસ્વતીજીની નિશ્રામાં પાંચ નવયુગલોને વૈદિક વિધિથી, સપ્તપદીના વચનો સાથે આચાર્ય વિનોદભાઈ શર્મા, જયપ્રકાશ શર્મા, યોગેશભાઈ શર્માએ સૂર્ય-અગ્નિની શાખે ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરાવ્યું હતું.

  આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ પ્રમુખ કાળુભાઈ સુખવાણી, પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સંગઠન મંત્રી વિજયભાઈ કમવાણી, સેક્રેટરી ચેતનદાસ મુલચંદાણી, જૂનાગઢ સિંધી રિયાસત જનરલ પંચાયત પ્રમુખ વિરભાણ આહુજા, ડીસા પંચાયત યુવા અગ્રણી ભરતભાઈ આસનાણી સહિત વિવિધ શહેરો જૂનાગઢ, જામનગર, વેરાવળ, કોડીનાર, બાંટવા, સૂત્રાપાડા, ગીરગઢડામાંથી અનેક આગેવાનો અને દાતાઓની હાજરીથી અવસર રળિયામણો બન્યો હતો. સમગ્ર સમારોહનું સંચાલન સિંધી સમાજના મહામંત્રી અને પત્રકાર કમલેશભાઈ જુમાણીએ કરેલ હતું.

સમગ્ર સમૂહલગ્નને વિશેષતા બક્ષી હોય તેમ વાસંતી વાયરા વચ્ચે ફૂલોથી સજાવેલા મયારામાં જ્યારે સિંધી મહિલા મંડળ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ સાથે ચૂંદલડીના છાંયા પાથરી વરવધુને મંડપ મધ્યે લાવવા, વેલકમ એન્ટ્રીથી સ્વાગત કરાયું હતું. ત્યારે એક નવી રસમથી આ પ્રસંગને સિંધી સમાજના મહિલા મંડળે ચાર ચાંદ લગાવી દીધા હતા. આ રસમે સમૂહલગ્નને જાજરમાન બનાવ્યો હતો.

આ સ્વર્ણિમ વેળાએ પરમ પૂજ્ય સિદ્ધ ગુરૂ રાજા સોમનાથની વર્ષી ઉત્સવ નિમિત્તે ડૉ. શંકરનાથ યોગીજીની આગેવાનીમાં આયોજિત પાલખીયાત્રામાં મુખ્ય આયોજકો ઈશ્વરલાલ જેઠવાણી, સુરેશભાઈ ગોપલાણી, ધીરજલાલ દગીયા, વિજયભાઈ કમવાણી અને કમલેશભાઈ જુમાણીના સહિયારા આહ્વવાનને પગલે સિંધી સમાજ હરખભેંર ઉમટતા પાલખીયાત્રા ઐતિહાસિક બની હતી.

(11:05 pm IST)