Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભરપુર આવિષ્કાર ટ્રસ્ટ આયોજીત સમુહલગ્નમાં ભાજપના નેતાઓ ગેરહાજર રહયા

વિજયભાઇ રૂપાણીએ આયોજકોને અભિનંદનપત્ર પાઠવ્યોઃ અનિલ સરવૈયા

વિરપુર (જલારામ), તા., ૭: પુજય જલારામ બાપાના પવિત્ર પાયાધામ એવા વિરપુર (જલારામ) મુકામે સદાય સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. તેવામાં લોક સેવા કાર્યો કરવામાં અગ્રેસર વિરપુરની સામાજીક સંસ્થા આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગત તા.ર૮-૧-ર૦૧૮ને રવિવારના યોજાયેલ સર્વજ્ઞાતિ સમુહલગ્નના મુખ્ય આયોજક અનિલભાઇ સરવૈયાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભવ્ય અને બેનમુન આયોજન કરવા બદલ શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ છે.

અનિલભાઇ સરવૈયા ભાજપના સક્રિય કાર્યકર છે અને સંસ્થાની લગ્ન કંકોત્રીમાં જેતપુર ભાજપના અગ્રીમ હરોળના નેતાઓના અને ખુદ કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનું નામ હોવા છતાં હાજર રહેવાની તસ્દી લીધી ન હતી. તેવા સમયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકિતગત રીતે કાર્યક્રમની નોંધ લઇ આયોજકો અને તેમાં જોડાનાર ૬૪ નવદંપતીઓને પત્ર લખી સફળ લગ્ન જીવન માટે શુભેચ્છા પાઠવી છે.

વિરપુર ગામમાં ચર્ચાએ ચાલી રહી છે કે ૧પ૦૦૦ માણસો અને પ૦૦ મુખ્ય મહેમાનોથી ખીચોખીચ ભરેલા આ સમુહ લગ્નના નવદંપતિઓને આશીર્વાદ આપવા જેતપુર ભાજપના ટોચના નેતાઓ હાજર ન રહેવા પાછળનું કારણ શું? સતાનો અહમ? પાયાના કાર્યકરની અવગણના કે રાજકીય કિન્નાખોરી એ એક ચર્ચાનો વિષય છે. વિરપુર ગામમાં આ બાબત ચર્ચાસ્પદ બનેલ છે તેમ અંતમાં આયોજકએ અને એડવોકેટ અનિલભાઇ સરવૈયાએ જણાવ્યું હતું.

(11:27 am IST)