Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળાબળના પારખાઃ ૭ ભાજપ,પ કોંગ્રેસ એમ ૧ર બેઠકો

કોંગ્રેસી ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઇ આરેઠીયાની તરફેણમાં શહેર ભાજપ પ્રમુખ અને ઉમેદવારો ખેંચાતા ભચાઉના કદાવર નેતા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મેદાનમાં ઉતરી ભાજપનું નાક બચાવ્યું

ભુજ, તા. ૭ : ગત વિધાનસભાની ચૂંટણીમાં ર્ખાયેલા રૂપિયાના કારણે રાપર બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જોકે, ફરી એજ રવૈયો રાપર નગરપાલિકાની ચૂંટણીમાં દેખાતા સમગ્ર કચ્છમાં રાજકીય હલચલ સર્જાઇ છે.

મૂળ ભાજપી અને ગત ચૂંટણીમાં ટિકીટ માટે કોંગ્રેસ પાસે પહોંચેલા રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઇ આરેઠીયા નગરપાલિકામાં પણ કોંગ્રેસને જીત અપાવવા મેદાને ઉતર્યા છે. એક તબક્કે રાપર શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના નગર સેવક પદના ઉમેદવારોને કોંગ્રેસની તરફેણમાં કરીને પાંચ બેઠકો બીનહરિફ કબ્જે કરી ભચુભાઇ આરેઠીયાએ નાણાની તાકાતના જોરે રાપર નગરપાલિકા આંચકી લેવા એડી ચોંટીનું જોર લગાવ્યું છે.

જોકે શાસકપક્ષ ભાજપની પ્રતિષ્ઠા જોખમાતા અંતે રાપર નગરપાલિકામાં કોંગ્રેસને રોકવા કચ્છ ભાજપે મુંદરાના ધારાસભ્ય અને ભચાઉના કદાવર નેતા વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતારતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વાગડ વિસ્તારમાં દરબાર પાવર બતાવતા વિરેન્દ્રસિંહના આગમનને પગલે રાપર નગરપાલિકાની ૭  બેઠકો બીનહરીફ કબ્જે કરવામાં ભાજપે સફળતા મેળવી અને કચ્છ ભાજપનું 'નાક' રહી ગયું છે.

જોકે રાપર નગરપાલિકાના ૭ વોર્ડમાં ર૮ ઉમેદવારો વચ્ચે જંગ છે. જે પૈકી ૧ર બેઠકો બીનહરીફ થતાં ૧૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે. કચ્છમાં બધા જ રાજકારણીઓ ધ્યાન રાપર તરફ છે. 'મની પાવર'ના કારણે રાપરમાં ગેમ ચેન્જર સાબિત થનાર કોંગ્રેસના ભચુભાઇ આરેઠીયાની સામે હવે કદાવર નેતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો મજબૂત પડકાર છે.

(11:25 am IST)