Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જસદણ અને ચોટીલા તાલુકાના ૭ ગામના ખેડૂતો ઓર્ગેનિક ફૂડ ફેસ્ટીવલમાં જોડાયા

જસદણ તા. ૭ : આરોહણ પ્રોજેકટ અંતર્ગત, જસદણ તથા ચોટીલા તાલુકાના ૭ ગામના એસએચજી બહેનો અને ખેડૂત ભાઈઓને આજીવિકાના સંદર્ભમાં ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ, રાજકોટ ખાતે જોડવામાં આવ્યા.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી બહેનોના, ખેડૂતોના સંગઠનો બનાવી, જળ, જમીન, જંગલ જેવા કુદરતી સંશાધનોની જાળવણીનું કાર્ય કરે છે. આ માટે લોકશિક્ષણની શિબિરો, તાલીમો, પ્રવાસ, મેળાઓનું આયોજન, પાણી રોકવાના કાર્યકમો, સજીવખેતી, મૂલ્યવર્ધન, માર્કેટ સહયોગ, સજીવખેતી સર્ટીફીકેશન જેવી કામગીરી કરે છે. સંસ્થા દ્વારા, ચાલુ વર્ષમાં 'આરોહણ' પ્રોજેકટ શરુ કરાયો છે. clp(ચાઈના લાઈટ એન્ડ પાવર કોર્પોરેશન, ઈન્ડિયા)ના આર્થિક સહયોગથી, ત્રણ વર્ષની મુદત માટે ચાલનાર આ કાર્યક્રમમાં, જસદણ તથા ચોટીલા તાલુકાના ૭ ગામોમાં શિક્ષણ,પાણી, તથા આજીવિકા અંતર્ગત કામગીરી કરવાની છે. ગામમાં ચાલતા એસએચજીના બહેનો તથા ખેડૂત ભાઈઓને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તથા તેઓની સજીવ પેદાશોને પૂરતા ભાવો તથા યોગ્ય માર્કેટ મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

રાજકોટ સ્થિત બાલભવનમાં આયોજિત 'ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ'માં આરોહણ પ્રોજેકટના  ગામોમાં ચાલતા બહેનોના મંડળોને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સહયોગથી આજીવિકાના સંદર્ભે કુદરતી સંસાધનોના માધ્યમથી રોજગારી મળી રહે તે હેતુથી મેળામાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. તેમાં રામળીયા ગામમાંથી જીલુબેન વશરામભાઈ કંબોયા દ્વારા કુદરતી સંસાધનો જેવા કે ગલકા, છાણા, અરણીના પાન, આવળના ડોડવા, રાખ વગેરે જેવી પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું હતું. કમળાપુર ગામમાંથી વિજયાબેન ગાંડુંભાઈ સાંકળિયા દ્વારા સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન થયેલ જામફળ, ફીન્ડલા, ફીન્ડલાનું શરબત તથા દિલીપભાઈ ભગવાનભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રકારની ૧૨ જાતની ઔષધીય વનસ્પતિઓમાંથી ઉકાળો તૈયાર કરી લોકોને પીવડાવવામાં આવ્યો. આ ઉપરાંત પીપળીયા ગામમાંથી અમરશીભાઈ દ્વારા અળસિયાનું ખાતર તથા વર્મીવોશનું વેચાણ કરવામાં આવ્યું.

આજીવિકાના માધ્યમ તરીકે આપની આજુબાજુ ઘણી જાતના કુદરતી સંસાધનો જોવા મળે છે પરંતુ તેના ઉપયોગ વિષે ખુબ ઓછા લોકો જાણતા હોય છે. એવા સમયમાં આ ખેડૂત ભાઈઓ-બહેનો દ્વારા રાજકોટના લોકોને કુદરતી સંસાધનો વિષે માહિતી આપવામાં આવી તથા તેની પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું, અને રોજગારીના માધ્યમ તરીકે માર્કેટિંગનો એક નવો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો. બહેનોના સમૂહ દ્વારા ખેતી-પશુપાલનની ઉત્પાદિત વસ્તુઓ, મેળાના માધ્યમ દ્વારા સીધા ગ્રાહકોને વેચીને વધારે બજારભાવ મેળવી શકાય છે. બહેનોમાં ઉઘમશિલતાના ગુણો કેળવવાથી, મૂલ્યવર્ધિત વસ્તુઓ ઘરે બનાવી, શહેરોમાં આવી, વેચવાથી, કુટુંબ, અને ગામડું વધારે સમૃદ્ઘ બનશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલના આયોજક  અલ્પાબા જાડેજા તથા અનિરુદ્ઘસિંહ જાડેજા, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સુમન રાઠોડ, રીટા વોરા, અરજણ સાકરિયા તથા અરવિંદ કટેશીયાએ ખાસ જહેમત ઉઠાવી હતી.(૨૧.૬)

(11:35 am IST)