Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

બેટ દ્વારકામાં છઠ્ઠે દિ' ડિમોલીશન : ૬.૬૦ કરોડની જમીન ખુલ્લી

ગેરકાયદે બાંધકામ હોવા છતાં નળ અને લાઇટ કનેકશન કેમ આવ્‍યા ? તે ચર્ચાનો વિષય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ : જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારીઓ પાર્થ કોરડીયા, પાર્થ તલસાણીયા તથા પોલીસ તથા એસ.આર.પી. સ્‍ટાફની સાથે ઓખા ન.પા. ચીફ ઓફિસર અમિત પંડયા તથા તેમની ટીમ દ્વારા આજે છઠ્ઠા દિવસે પણ ગામતળ વિસ્‍તારમાં દબાણો તોડી પાડયાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

ગઇકાલે પણ સિગ્નેચર બ્રીજના છેવાડાનો વિસ્‍તાર, ગામતળ, સરકારી ખરાબાઓ તથા પાલિકાની બેટ કચેરીની પાછળના વિસ્‍તારમાં દબાણો હટાવવા ઓપરેશન કરાયું હતું તથા સવારથી સાંજ સુધીમાં કુલ ૩૪ બાંધકામો તોડી પાડવામાં આવ્‍યા હતા. જેમાં કુલ ૩૧ હજાર ઉપરાંતની જગ્‍યા કિંમત રૂા. ૬૦ લાખની ખુલ્લી કરવામાં આવી હતી.

હાલ દ્વારકા જિલ્લાની સાથે ચાલી રહેલા પોરબંદર પંથકના એક વિડીયોમાં લોકોના ટોળા ભેગા થાય છે તેવો વિડીયો ગઇકાલે દ્વારકા પંથકમાં કોઇએ વાયરલ કરતા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, ડીવાયએસપી સમીર સારડા તથા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાના ધ્‍યાને આવતા તેમણે આ વિડીયો ફેલાવવા પર તુરંત જ પ્રતિબંધ મુક્‍યો હતો.

બેટ દ્વારકામાં અભૂતપૂર્વ કહેવાય તેવા આ મેગા દબાણ હટાવો ઓપરેશનમાં ગઇકાલ સુધીમાં કુલ ૬.૬૦ કરોડની જમીનો ખુલ્લી કરવામાં આવી હતી તથા આ જમીનોમાં અત્‍યાર સુધીમાં ૧૧૫ જેટલા બાંધકામો તોડી પાડવામાં આવ્‍યા હતા તથા એક લાખને ૫૮ હજાર ફુટ જેટલી જમીન ખુલ્લી થઇ છે.

સરકારી તંત્ર દ્વારા ૧.૫૮ લાખ ફૂટ જમીનો પરના ૧૧૫ દબાણો હટાવાયા ત્‍યારે પ્રશ્ન થાય કે દસ્‍તાવેજ વગર લાઇટનું કનેકશન મળે નહીં, પાણીનું કનેકશન મળે નહી ત્‍યારે અહીં લાઇટ તથા નળ વગર દસ્‍તાવેજમાં ગેરકાયદે જમીનમાં કઇ રીતે આવી ગયા ? તે પણ એક મોટો પ્રશ્ન થયો છે. જેમાં ઉંડો ભ્રષ્‍ટાચાર થયો હોય તેવું સત્‍ય બહાર આવ્‍યું છે.

(1:54 pm IST)