Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભુજ સ્ટેશનમાંથી ભાગેલો પોસ્ટલ કૌભાંડનો આરોપી સચિન ઠકકર મિત્રના ઘેરથી ઝડપાયો : મિત્ર વિજય જેઠાલાલ સોની ઉપરાંત ફરજમાં બેદરકારી બદલ પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મી સામે ગુનો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::કરોડો રૂપિયાના પોસ્ટલ કૌભાંડનો આરોપી સચિન શંકરલાલ ઠકકર ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટયા બાદ ગણત્રીના કલાકો માંજ ઝડપાઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ એલસીબી ના પીએસઆઈ સિદ્ધરાજસિંહ રાણાને મળેલ બાતમીના આધારે તેના મિત્ર ના ઘેરથી ઝડપાઈ ગયો હતો.

ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં સવારે ૯ વાગ્યે સફાઇનુ કામ ભુજ ચાલી રહ્યુ હતુ. ત્યારે સચિન ઠક્કર ફરજ પરના પોલીસ કર્મીની નજર ચુકવી આરામથી પોલીસ સ્ટેશન બહાર જતો સી.સી.ટી.વીમાં કેદ થઇ ગયો હતો. એલસીબીની ઓફીસ જવાના રસ્તે તેના ચંપલ મળી આવ્યા હતા અને ત્યાથી તે ભાગ્યો હોવાની શંકા હતી. તેના આધારે પોલીસે તેના નજીકના સંપર્કમાં રહેનારા લોકોની તપાસ શરૂ કરી હતી. જેમાં સચિન ઠક્કર ઘનશ્યામનગરમાં રહેતા વિજય જેઠાલાલ સોનીના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે સચિનને મદદગારી કરવાના કિસ્સામાં વિજય સોની સામે ફરીયાદ નોંધી છે.

તો, ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી સામે પણ ફરજમાં બેદરકારી બદલ ફરીયાદ નોંધી છે. જો કે, સચિન ઠક્કર શા માટે પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ અસ્વસ્થ સ્થિતિમાં સચિને આ પગલુ ભર્યુ હોય તેવું પોલિસ માની રહી છે

     ચકચારી એવા પોસ્ટ કૌભાંડમાં સચિન શંકરલાલ ઠકકર પહેલા ૫ દિવસ અને ત્યાર બાદ ૩ દિવસ દરમ્યાન પોલિસની રિમાન્ડમાં હતો. તે દરમ્યાન તેની સામે ગોલમાલ નો આંકડો ૩૪ લાખમાંથી સવા કરોડ થયો છે. જોકે, બિનસત્તાવાર આ આંકડો ૮ થી ૧૦ કરોડ નો હોવાની ચર્ચા છે. ચોક્કસ આંકડો તો સચિનની પોલીસ દ્વારા વધુ તપાસ કરાયા પછી જ બહાર આવશે.

ભુજની જાણીતી સંસ્થાઓનો કી મેમ્બર એવો સચિન પોલીસની આંખમાં ધૂળ નાખીને પોલીસ સ્ટેશનમાંથી જ નાસી છૂટશે એવો પોલિસને સપને પણ ખ્યાલ નહી હોય. પરંતુ, સવારે સચિન ભાગી જતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. તો, સચિનના નાસી છૂટવાના સમાચાર ભુજમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

(6:43 pm IST)