Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તળાજાના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો મુદ્દો

સરકારે અભેરાઇએ ચડાવી દીધેલ ભાવનગર જિલ્લાની એકસો જેટલી ગ્રા.પંની ફાઇલ ખોલવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૬ : તળાજાની દસથી વધુ અને ભાવનગર જિલ્લાની એકસો જેટલી ગ્રામ પંચાયતના બિલ્ડીંગ જર્જરિત છે.આ બિલ્ડીંગ નવા બનાવવા માટે સરકારમાં કરેલી દરખાસ્ત,રજુઆત બાદ આજ સુધી કોઈજ પરિણામ લક્ષી કામ ન થતા તળાજાના ધારાસભ્યએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો.

તળાજાના ધારાસભ્ય અને રાજય સરકારની ખાત્રી સમિતિ ના સભ્ય કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતુંકે પોતે તળાજા અને જિલ્લામાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગયા હતા. એ સમયે ગ્રામપંચાયતના સરપંચ, સભ્યો દ્વારા પંચાયતની જર્જરિત થયેલ બિલ્ડીંગ નવી બનાવવા માટે દરખાસ્ત સરકારમાં મોકલી હતી. એ દરખાસ્તને લઈ મંત્રી જયદતસિંહને પ્રશ્ન પૂછવામાં આવેલ હતો.

એ પ્રશ્નના જવાબમાં મંત્રી દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.જેમાં તળાજાની દસથી વધુ અને ભાવનગર જિલ્લાના અંદાજિત એકસો જેટલા ગામડાઓની પંચાયતના જર્જરિત બિલ્ડીંગ બનાવવાની ખાતરી છતાંય નવી બનાવવા માટેની કોઈ કાર્યવાહી સરકારે હાથ ધરેલ નહિ.જેને લઈ આજે ફરી પેટા પ્રશ્ન પૂછવામાં આવેલ.જેને લઈ આગામી સમયમાં તળાજા સહિત જિલ્લાની જે જર્જરિત બિલ્ડીંગો છે તેને નવી બનાવાવમાં વેગ મળશે.

(11:45 am IST)