Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાયો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં રજુ થયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટેનો એક માર્ગદર્શન સેમીનાર ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટસ,ભાવનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસીએશન , ભાવનગર ઇન્કમટેક્ષ બાર એસોસીએશન ,ભાવનગર સેલટેક્ષ બાર એસોસીએશન તથા ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ( વેસ્ટર્ન ઇન્ડીયા રીજીયોનલ કાઉન્સિલ ભાવનગર બ્રાંચ ) નાં સંયુક્ત ઉપક્રમે ચેમ્બર હોલ ખાતે યોજવામાં આવેલ
 કાર્યક્રમનાં પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણીએ સૌના શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે દર વર્ષે રજુ થતા બજેટની વિસ્તૃત માહિતી મીડિયા દ્વારા પણ સમાચારરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ રજુ થયેલ બજેટમાં કેટલીક ટેકનીકલ બાબતો વિષે વેપાર - ઉદ્યોગ જગતને અને નાગરીકોને મૂંઝવણ હોય છે તેથી ચેમ્બર દ્વારા દર વર્ષે બજેટ રજુ થયા બાદ આ વિષયનાં તજજ્ઞો દ્વારા તેની વિસ્તૃત છણાવટ કરતા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવે છે જેથી વેપાર - ઉદ્યોગ જગત અને નાગરિકોને બજેટ સંદર્ભે કોઈ મુશ્કેલી હોય કે કોઈ મૂંઝવણ હોય તો તે વિષે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે તેમજ નવી જોગવાઈઓ , યોજનાઓ અને વિવિધ સુધારાઓથી સૌ સંપૂર્ણ માહિતગાર થાય તેવો મુખ્ય આશય છે .
 કાર્યક્રમનાં પ્રથમ મુખ્ય વક્તા એવમ અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ પોપટે ડાયરેક્ટ ટેક્ષ વિષે વક્તવ્ય આપતા જણાવેલ કે ઇન્કમટેક્ષ કાયદામાં નવી કરવેરા પધ્ધતિમાં રૂ . ૭ લાખ સુધી કોઈ વેરો ભરવાનો થશે નહિ . જૂની પધ્ધતિની સરખામણીમાં નવી પધ્ધતિમાં કોઇપણ જાતનું રોકાણકે અન્ય ડીડકશન બાદ મળવાપાત્ર થશે નહિ . લગભગ ૧૨૫ થી વધુ સુધારાઓ કરવામાં આવેલ છે જેમાં મોટા ભાગના સુધારાઓ પ્રોસીજરને લગતા છે . એકંદરે બજેટ આવકારદાયક છે . કાર્યક્રમનાં દ્વિતીય મુખ્ય વક્તા એવમ કરવેરા નિષ્ણાંત ભરતભાઈ શેઠે ઇન - ડાયરેક્ટ ટેક્ષ ( જીએસટી ) વિષે માહિતી આપતા જણાવેલ કે GST કાયદામાં લગભગ ૧૫ જેટલા સુધારા કરવામાં આવેલ છે . જેમાં નાણામંત્રીએ કાયદાની અમુક જોગવાઈઓ ક્રિમીનલ ગુનાની વ્યાખ્યામાંથી દૂર કરવાનું જણાવેલ છે . તેનાં અનુસંધાને GST માં અમુક જોગવાઈઓ ડીક્રિમીનલાઈઝ કરેલ છે . ઈનપુટ ટેક્ષ ક્રેડિટમાં CSR અંગે કરેલ ખરીદીની ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર નથી તેવી જોગવાઈ કરેલ છે . સરેરાશ બજેટની જોગવાઈઓ આવકારદાયક છે . કાર્યક્રમનાં અંતે રાખવામાં આવેલ પ્રશ્નોત્તરી શેશનમાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા બજેટ અંગે મૂંઝવતા પ્રશ્નોના બંને વક્તાઓ દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં આવેલ .
આ પ્રસંગે ચેમ્બરનાં પૂર્વ - પ્રમુખ સુનીલભાઈ વડોદરીયા , માનદ્દ મંત્રી કેતનભાઈ મેહતા , મેનેજીંગ કમિટીનાં સભ્યો સહયોગી એસોસીએશનનાં હોદ્દેદારો , વેપારીઓ , ઉદ્યોગકારો , ટેક્ષ કન્સલ્ટન્ટસ તથા નાગરીકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ .સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરની ટેક્ષેશન કમિટીનાં ચેરમેન હિતેશભાઈ રાજ્યગુરુ દ્વારા તથા આભારવિધિ ચેમ્બરના માનદ્દ ખજાનચી મીતેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ .

 

(6:49 pm IST)