Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ખેડુતને ૧ લાખ ૭ ટકા વ્‍યાજ સહિત ચુકવવા વીમા કંપનીને હુકમ

રાજકોટ તા.૬: મોરબીના ટંકારા તાલુકાના ખેડુતનો થ્રેસરમાં પગ આવી જતા સારવારમાં પગ કાપવો પડતા ખેડુતને રૂ.૧ લાખ ૭ ટકા વ્‍યાજ સહિત ચૂકવવા ગ્રાહક ફોરમે વીમા કંપનીને હુકમ કર્યો છે.

ટંકારાના હરિપરમાં રહેતા પરસોતમભાઇ માધવજીભાઇ ઢેઢીએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના ગ્રુપ વીમા હેઠળ પોતાનો વીમો ઉતરાવેલ હતો. પરસોતમભાઇ ખેતર થ્રેસર મશીન પર કામ કરતી વખતે તેનો જમણો પગ તેમાં ફસાઇ જતાં હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ હતાં. તેની સારવાર દરમ્‍યાન તેની જમણો પગ કાપવો પડે તેમ હોય તેથી પરસોતમભાઇનો જમણો પગ ગોઠણથી ઉપરના ભાગે પગ કાપેલ હતો. જે સબબ પરસોતમભાઇએ ન્‍યુ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યોરન્‍સ કંપની પાસે પોતાના વીમા સંદર્ભે વળતની રકમ માંગતા ન્‍યુ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ વળતરની રકમ ચૂકવવાનો ઇન્‍કાર કરતા પરસોતમભાઇએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવર આયોગ(મુખ્‍ય)માં પોતાના વકીલ મારફત ફરિયાદ દાખલ કરેલ હતી.

જે ફરિયાદી ચાલી જતા બન્ને પક્ષકારોની દલીલ સાંભળી ગ્રાહક ફોરમે ફરિયાદી પરસોતમભાઇની ફરિયાદ મંજુર કરેલ છે. અને વીમા કંપનીએ ફરિયાદી પરસોતમભાઇને રૂ.૧,૦૦,૦૦૦ ફરિયાદની તારીખ ૧૪/૧૨/૨૦૨૦થી ૭ ટકાના ચડત વ્‍યાજ સાથેની રકમ બે માસની અંદર ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે. અને ફરિયાદ ખર્ચ રૂ.૫૦૦૦ આપવા પણ આદેશ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટ અનિલ બી.ડાકા, પરેશ એમ.મૈયડ, રૂપાબેન ડી.ભાયાણી, સોહિલ એમ. રામાણી, સુધા કે.ચોવટીયા, ધ્રુવિલ જે.રાઠોડ તથા પ્રવિણ એલ.સેગલીયા રોકાયેલા હતા.

(4:49 pm IST)