Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કચ્‍છ G 20 સમિટ માટે સજજ, સફેદરણમાં ઐતિહાસિક બેઠકનો શ્રેય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈને

સાંસદ વિનોદ ચાવડા સહિતનાની આગેવાનીમાં તૈયારીઃ આવતીકાલથી ત્રણ દિવસની સમિટનો પ્રારંભ ત્રણ દિવસમાં ધોરડો, ધોળાવીરા અને ભુજની મુલાકાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬:  કચ્‍છમાં આવતીકાલ તા. ૭ ફેબ્રુ. થી ૯ ફેબ્રુ. ના શરૂ થઈ રહેલ ઞ્‍ ૨૦ સમિટ માટે વહીવટીતંત્ર સજજ થઈ ગયું છે. કચ્‍છ જિલ્લા કલેકટર દિલીપ રાણાએ G 20 અંગે વધુ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે G 20 ની બેઠકમાં કચ્‍છના પ્રવાસન સ્‍થળો સફેદરણ ધોરડો, હડપ્‍પન સંસ્‍કૃતિ ધરાવતા ધોળાવીરા અને ભૂકંપ સંદર્ભે ભુજમાં બનાવાયેલ સમૃતિવન સહિતનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ૯ તારીખના G 20માં આવેલ તમામ દેલિગેટ્‍સ ધોળાવીરાની મુલાકાત લઈ પ્રવાસન અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરશે. બેઠકમાં પ્રવાસન વિષય પર ચર્ચા વિચારણા કરશે. આ તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા કરાઈ રહી છે. ધોરડોથી ધોળાવીરા જવા માટેનો રસ્‍તો, ધોળાવીરામાં ટેન્‍ટ સિટીની તૈયારીઓ, રણોત્‍સવમાં કોન્‍ફરન્‍સ હોલ,લાઇટ, પાણી અને રહેવા સહિતની તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે.

જયારથી G 20 બેઠક જાહેર થઇ છે ત્‍યારથી જે પણ મોટા મોટા પ્રોજેક્‍ટ છે એ બધાનું કામ ઝડપથી થઇ રહ્યું છે. સફેદ રણમાં પ્રવાસન અંગેની બેઠક કચ્‍છના પ્રવાસન ક્ષેત્રની સફળતાને દુનિયાભરમાં પ્રદર્શિત કરવાનો એક અનોખો અવસર આપશે. આ બેઠકમાં G 20 સભ્‍ય દેશો અને મહેમાન દેશો સાથે ૩૧ સત્તાવાર પ્રતિનિધિઓની આવાની આશા છે. આ અલગ અલગ દેશોના પ્રતિનિધિઓના પ્રવાસથી કચ્‍છને વિશ્વ ફલકની નવી ઓળખાણ મળશે. આ બેઠકથી કચ્‍છના અનોખા હસ્‍તકલાકારો જેમ કે રોગાન આર્ટ, લીંપણ આર્ટ, મડ વર્ક, મિરર વર્ક વગેરેને એક અલગ ઓળખ મળશે જે વધુ MSME અને સ્‍ટાર્ટઅપ્‍સ લાવશે અને રોજગારી વધારવામાં મદદરૂપ બનશે.

G 20 બેઠક અંગે વાતચીત કરતા મોરબી કચ્‍છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કચ્‍છની અંદર આ બેઠક યોજવા જઈ રહી છે જે કચ્‍છ જેવા સરહદી અને છેવાડાના જિલ્લા માટે એક ગૌરવની વાત છે. આ સંમેલનમાં અનેક દેશોના મહાનુભાવો આવશે અને પ્રવાસનના વિષય પર કચ્‍છના સફેદ રણમાં ચર્ચા વિચારણા કરશે. જે કચ્‍છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં ઉજાગર કરશે. G 20 ની બેઠક માટે કચ્‍છની પસંદગી કરવા બદલ કચ્‍છી પ્રજા વતી સાંસદ વિનોદ ચાવડાએ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને અભિનંદન આપ્‍યા છે.

 

(11:41 am IST)