Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મગફળીની આગમાં ભ્રષ્ટાચારનું 'વેલ્ડીંગ' : કોંગ્રેસ આ મુદ્દો વિધાનસભા અને શેરીઓમાં લઇ જશે

પોલીસ ગમે તે કારણ બતાવે, વાસ્તવિકતા આખુ ગુજરાત જાણે છે : પરેશ ધાનાણી

રાજકોટ, તા.,૬: ગોંડલ પાસે ગોડાઉનમાં આગ લાગવાથી લાખો કિલો મગફળી સળગી જવાની ઘટનામાં પોલીસે વેલ્ડીંગના કારણે આગ લાગી હોવાનું તારણ જાહેર કરતા આ તારણ સામે વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સવાલો ઉઠાવ્યા છે. ભાજપ સરકારના ભ્રષ્ટાચારના ગાબડામાં પોલીસ તપાસના તારણના નામે વેલ્ડીંગ કરાયાનો તેમણે આક્ષેપ કરી આ મુદ્દો વિધાનસભા અને શેરીઓમાં લઇ જવાનું જાહેર કર્યુ ેછ.

પરેશ ધાનાણીએ જણાવેલ કે, મગફળીની આગની ઘટનામાં ભ્રષ્ટાચારના ગાબડાનું સરકારે વેલ્ડીંગ કર્યુ છે. આગનું કારણ પોલીસ ગમે તે દર્શાવે પરંતુ વાસ્તવિકતા ગુજરાતનું છોકરૂ પણ જાણે છે. જેણે પ્રજાના હિતની રખેવાળી કરવાની છે તે સરકાર પોતાની ફરજ ચુકશે તો લોકોને લોકશાહીના મીઠા ફળ કયાંથી ચાખવા મળશે? હજુ ખેડુતોના ઘરમાં ઘણી મગફળી પડી છે. સરકાર તેને સત્વરે પોષણક્ષમ ભાવ અપાવે તેવી અમારી માંગણી છે. મગફળીની આગની ઘટના અને તેને છાવરવાના પ્રયાસોને લઇને અમે વિધાનસભામાં અવાજ ઉઠાવશું તેમજ આ પ્રશ્ન લોકોની વચ્ચે પણ લઇ જઇશું.

(3:47 pm IST)