Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આગના કારણની તપાસ પુર્ણઃ હવે મગફળીના જથ્થાની હેરાફેરીની ગેરરીતિ અંગે તપાસ થશે

દરેક તપાસમાં એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ છે પણ સીઆઇડીએ રિપોર્ટ પહેલા જ કારણ શોધી કાઢયુ ! : ૧૩ મંડળીઓ દ્વારા જે જથ્થો મોકલાયો છે તે અંગે ક્રોસ તપાસ કરાશેઃ સીસીટીવી ફુટેજની પણ ચકાસણી કરાશેઃ સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદી

રાજકોટ તા.૬ : ગોંડલના ર૮ કરોડના મગફળી અગ્નિકાંડમાં સીઆઇડી ક્રાઇમે બેદરકારી દાખવનાર ગોડાઉન માલીક અને ગોડાઉન મેનેજર તથા વેલ્ડર સહિત છ શખ્સોને ધરપકડ કરાયા બાદ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, મગફળી અગ્નિકાંડમાં આગના કારણની તપાસ પુર્ણ થઇ છે. મગફળીના જથ્થાની હેરાફેરીની ગેરરીતિ અંગે તપાસ કરાશે અને તેમાં જો કોઇની સંડોવણી ખુલશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

પત્રકાર પરિષદમાં ગોંડલના મગફળી અગ્નિકાંડ અંગે આગના કારણ અંગે પત્રકારોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. જો કે ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ એવુ જણાવ્યુ હતુ કે, ગોડાઉનમાં જે મગફળીનો જથ્થો પડયો છે તેના રૂપિયા ખેડુતોને મળી ગયા છે તેમજ મગફળી ખરીદનાર દરેક મંડળીના સંચાલકોને પણ રૂપિયા મળી ગયા છે. ગોડાઉનનું કસ્ટોડીયન ગુજકોટનું છે અને ગુજકોટે ગુજરાતમાં આવા ર૮ જેટલા ગોડાઉનો મગફળી માટે ભાડે રાખ્યા છે અને તેના માટે ન્યુ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની માટે ૧૬પ કરોડનો વિમો લેવાયો છે. ગોંડલના ગોડાઉનની આગની ઘટનામાં વિમો પકાવવો તે પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી એટલે કે કોઇએ વિમો પકાવવા માટે આગ લગાડી હોય તેવુ તપાસમાં ખુલતુ નથી. આગ આકસ્મીક રીતે જ લાગી છે પરંતુ ગોડાઉનના મેનેજર અને માલિકે આગની વાત છુપાવી રાખતા અને બેદરકારીના કારણે સમયસર ફાયર બ્રિગેડની મદદ ન લેતા મગફળીનો તમામ જથ્થો ખાખ થઇ ગયો હતો.

દરેક આગની ઘટનામાં પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોવે છે તે પછી જ પોલીસ કોઇ તારણ પર પહોંચે છે જયારે આ કિસ્સામાં સીઆઇડી ક્રાઇમની ટીમે એફએસએલના રિપોર્ટ પહેલા જ આગનું કારણ શોધી કાઢતા પત્રકારોએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા હતા. જો કે સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, આ આગની ઘટનામાં એફએસએલની ટીમ દ્વારા ૧૭ સેમ્પલો લેવાયા છે.

વેલ્ડરોએ વેલ્ડીંગ મશીન જે છુપાવી રાખ્યા હતા તે ઘટનાસ્થળેથી કબ્જે કરાયા છે તેમજ વેલ્ડીંગને લગતા અન્ય સાધનો પણ ઘટનાસ્થળેથી કબ્જે કરાયા છે. આ આગ બેદરકારીના કારણે જ લાગી હોવાનુ અને આ બેદરકારીને છુપાવવા કારસ્તાન રચાયુ હોય પુરાવાનો નાશ કરવા સબબ ગોડાઉન માલીક, મેનેજર અને વેલ્ડર સહિત છની ધરપકડ કરાઇ છે. મગફળી અગ્નિકાંડમાં આગના કારણની તપાસ પુર્ણ થઇ છે હવે મગફળીના જથ્થાની હેરાફેરીની ગેરરીતિ અંગે તપાસ કરાશે. તા.પ જાન્યુ.થી રર જાન્યુ. સુધી આ ગોડાઉનમાં ૧૩ મંડળીઓ દ્વારા મગફળીનો જે જથ્થો મોકલાયો છે તે અંગે મંડળીના રજીસ્ટર અને ગોડાઉનના રજીસ્ટર તથા વે-બ્રીજમાં ક્રોસ તપાસ કરાશે.

સીઆઇડીના ડીઆઇજી ત્રિવેદીએ અંતમાં જણાવ્યુ હતુ કે, ઘટના પુર્વે અમુક ધારાસભ્યોએ આ મગફળીના ગોડાઉનમાં આગ લાગશે તેવી તંત્રને જાણ કરાઇ છે તેવા અહેવાલો મીડીયામાં પ્રસારિત થયા હોય તે અંગે તે ધારાસભ્યોનું પણ નિવેદન લેવામાં આવશે. અમુક રાજકીય આગેવાનોએ મગફળીના જથ્થાની હેરાફેરી કરાઇ હોવાના આક્ષેપો કર્યા હતા તે અંગે પણ તપાસ કરાશે. ગોડાઉનની બંને બાજુ બે ટોલનાકા હોય આ ટોલનાકાના સીસીટીવી ફુટેજની ચકાસણી કરી મગફળીની હેરાફેરી અંગે તપાસ કરવામાં આવશે અને આવુ કઇપણ તપાસ નીકળશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. (૩-૧૩)

 

(3:43 pm IST)