Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

યુવાનોને વ્યસનમુકત કરવા સમાજ-સંગઠનને તોડનારા પરિબળો સામે ઝઝુમતી જામનગરની હિન્દુ સેના

 જામનગર તા.૬ : હિન્દુ સેનાના અભ્યાસ વર્ગમાં શહેરના ર૬ જવાબદારોની અપેક્ષિતીમાં ૧૮ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં આ વર્ગનું આયોજન થયેલ હતુ. આ વર્ગમાં વિદ્યાભરતીના જીલ્લા સંયોજક શ્રી ગીરીશભાઇ બુધ્ધદેવે હોદેદારોને જવાબદારીની સમજણ શકિત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. સમાજ તેમજ સંગઠનને તોડવા અનેક પરિબળો કામ કરી રહ્યા હોય છે. તેમાં પણ નાત, જાત, જ્ઞાતિથી દુર રહી હિન્દુ એક થઇને હિન્દુ સેનાના કાર્યો કરતા રહેવા, જરૂર પડયે સેવા સાથે સંઘર્ષપણ કરવો પડે તો હિન્દુ સેના માટે અચકાવુ નહી.

આ વર્ગના બીજા સત્રમાં હિન્દુ સેના ધર્મચાર્ય વિભાગના સૌરાષ્ટ્રના અધ્યક્ષશ્રી કપિલ મારાજે પોતાની જવાબદારી પ્રમાણે ધર્મને ભુલવો નહી, યુવાનોએ વ્યસન, પરમાટીથી દુર રહેવા અપીલ કરી, આપણી સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનું માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. વધુમાં ધર્મના નામે ઘુસેલા દુષણોથી સાવચેત રહેવા પણ જણાવ્યુ હતુ. ત્યારબાદ હિન્દુ સેનાના અશોકભાઇ ઠક્કરે બધા સૈનિકોને પોતાના માતા-પિતા સહિત યોગ વેદાંત સમિતિના માતૃ-પિતૃ પુજનમાં જોડાવા સુચન કરેલુ હતુ.

હિન્દુ સેનાના અખાડીયન વિભાગ, ડોકયુમેન્ટસ વિભાગ, સાયબર ક્રાઇમ એન્ડ ઇન્ટેલીજન્સ સર્વિસ, ગૌરક્ષા વિભાગ, બોલીવુડ વોચ, જીએચએસઆઇ, કોલેજીયન વિભાગ, યુવા પાંખ, સોશ્યલ મીડીયા વિભાગ સહિતના હોદેદારોની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રમુખ દ્વારા અલગ-અલગ વિભાગ પોતાના કાર્યોને વેગ અપાવે તેવુ જણાવ્યુ હતુ અને ઇ.સ.ર૦૧૮ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવા અને સંગઠનમાં વધારો લાવવા પ્રયત્ન કરવા તથા બીજા જીલ્લા, તાલુકામાં કામોને વેગ મળે તે માટે પહેલ જામનગરથી જાય તેવો પણ આગ્રહ રાખ્યો હતો. સંપુર્ણ અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાના નિર્માણ અને હોદેદારોને અનુશાસન તથા કાર્યપધ્ધતિથી વાકેફ કર્યા હતા.(૩-૧૧)

 

(1:54 pm IST)