Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

લીંબડીના ફુલગ્રામના પાટીયા પાસે ડમ્પર - કાર વચ્ચે અકસ્માતઃ ૩ને ઇજા

વઢવાણ તા. ૬ : લીંબડી હાઇવે ઉપર સાયલા અને ફુલગ્રામ વચ્ચે ફુલગ્રામ ગામના પાટિયા પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લીંબડી તરફથી આવતી ઇકો કાર નંબર GJ-13NN-4453 આગળ જતાં ડંપરે એકદમ બ્રેક મારતા, ડંપરની પાછળ ઘુસી જતા, ૩ વ્યકિતઓને વધતી ઓછી ઇજા થયેલ હતી. આ બનાવમાં ચુડા ખાતે રહેતા જયદેવ ગણપતભાઈ બારોટ તથા ચિરાગ ગણપતભાઈ બારોટ બંને ભાઈઓ પોતાના ફેમિલી સાથે ઇકો કાર નંબર GJ-13NN-4453 લઈને ડ્રાઇવર રણજિત માનસિંગ સાથે સમૂહ લગ્નમાં હાજરી આપવા રાજકોટ જતા હોય, ફુલગ્રામ ગામના પાટિયા પાસે આગળ જતાં ડંપરે એકદમ બ્રેક મારતા, ઇકો ગાડી ડંપરની પાછળ અથડાતા, જયદેવ બારોટ, ચિરાગ બારોટ, મધવીબેન, ભાવનાબેન, કવિતાબેન તથા ડ્રાઇવર રણજીતભાઈ ને માથામાં, મોઢા ઉપર તથા શરીરે ઇજાઓ થતા, સાથેના મહિલાઓ અને છોકરાઓએ રોકકળ ચાલુ કરેલ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીને સાયલા હાઇવે ઉપર અકસ્માતની જાણ થતાં, તેઓએ પણ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફને તાત્કાલિક અકસ્માત રાહત કામગીરી કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.

લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એક એટ્રોસિટી કેસની તપાસના સિલસીલમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે જતા હોઈ, બનેલ અકસ્માતની નજીકમાં જ હોઈ, તેઓએ તાત્કાલિક પોતાના સ્ટાફના હે.કો. મહેશભાઈ બાર, કમાન્ડો મનીષભાઈ, ડ્રાઇવર હસમુખભાઈ, સહિતની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયેલ અને ૧૦૮ ને જાતે ફોન કરીને બોલાવી, ઇજા પામનારોને તાત્કાલિક સાયલા સરકારી દવાખાના ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવેલ. ઉપરાંત, રોકકળ કરતા, મહિલા અને છોકરાઓને સાંત્વના આપી, સહાનુભૂતિ પણ દર્શાવેલ હતી. સાયલા દવાખાના ખાતેથી વધુ ઇજા પામનારને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવેલ. તેમજ અકસ્માત થયેલ ઇકો કારને પણ તાત્કાલિક સાઈડમાં લેવડાવી, ટ્રાફિક તરત જ ચાલુ કરાવી દીધેલ હતો, જેથી હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પણ રાહત અનુભવી હતી.

(1:09 pm IST)