Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાક.ની 'નાપાક' નીતિ...છોડવાના ઓછા'ને પકડવાના વધારે

વર્ષોથી ચાલ્યો આવતો 'કુઇરાદો' સદંતરપણે નાથવામાં સરકારને સફળતા મળશે કયારે?: પરોબંદર પંથકના માછીમારોમાં ચર્ચાતો સો મણનો સવાલ

પોરબંદર,તા.૩:  અહીના દરીયામાં જખૌ બંદર નજીકથી અવાર નવાર પાકિસ્તાન મરીનના ચાંચીયાઓ દ્વારા ભારતના માચ્છીમારોને બોટો સાથે ઉપાડી જવાની નાપાક હરકત વર્ષો બાદ પણ સદંતરપણે કાબુમાં નહિ આવતા સાગરખેડુ સહિત તેના પરીવારજનો માથે સતત ભય ઝળુંબતો રહે છે.

જાણવા મળ્યા મુજબ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા બે દિવસ પુર્વે પણ ૮ બોટ સાથે ૪૩ માચ્છીમારોને ઉપાડી જઇ ગઇરાત્રે કરાંચી જેલમાં ધકેલી દેવાયા હતા. અવાર નવાર ભારતીય જળસીમામાંથી માચ્છીમારોને ઉપાડી જવાના બનાવો ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહયા હોવાથી સમગ્ર માચ્છીમાર વર્ગમાં ચોતરફ સુર ઉઠયો છે કે વર્ષોથી ચાલ્યો આવતો પાક મરીન ચાંચીયાઓનો 'કુઇરાદો' સદંતર પણે નાથવામાં સરકારને સફળતા કયારે મળશે?

દરમિયાન માચ્છીમાર વર્તુળમાંથી એવુ પણ જાણવા મળ્યુ છે કે સીઝન ચાલુ થયાને ૭ મહિના વિત્યા છે ત્યાં સુધીમાં વધુ ૩૬ થી ૪૦ બોટો સાથે અંદાજે રપ૦ થી ર૬૦ જેટલા માચ્છીમારોના અપહરણ થઇ ગયા છે... અગાઉ પકડી લેવાયેલા ૧૦૦ માચ્છીમારો પાકીસ્તાનની જેલમાં બંધક હતા ત્યાં ફરી અઢીસોથી વધુને બંદુકની અણીએ ધરાહાર ઉપાડી જવાતા હાલ બંધકોની સંખ્યા ૩પ૦ થી પણ વધારે થઇ છે. પાકીસ્તાન સરકાર પોતાની 'નાપાક' નીતી બાજુએ મુકી પરિવારનું ભરણપોષણ કરવા જીવના જોખમે દરીયો ખેડવા મજબુર થતા સાગર ખેડુની પરિસ્થિતિને કયારે સમજશે? તેવું પણ માચ્છીમારોમાં સંભળાઇ રહયું છે.

માચ્છીમારોના પ્રશ્ને પોરબંદર પંથકના અગ્રણીઓ દ્વારા અવાર નવાર સરકારના સંબંધીત વિભાગમાં રજુઆતો થઇ હોવા છતા પણ હજુ સુધી રક્ષણ બાબતે કોઇ યોગ્ય ઉકેલ આવ્યો ન હોવાને પગલે નિષ્ક્રીયતા સામે નારાજગી સાથે રોષનો વાયરો પ્રસરી રહયો છે. તો ભારત સરકારે ભારતીય જળસીમામાં હજુ સુરક્ષાને વધુ ચુસ્ત બનાવવી જોઇએ તેવી પણ જાગૃત નાગરીકોની લાગણી અને માંગણી છે.

(11:39 am IST)