Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પોરબંદરની સરકારી હોસ્‍પીટલમાંથી એમ્‍બ્‍યુલન્‍સ સાથે ઓકસીજનનો અધુરો બાટલો આપતા મહિલાનું મૃત્‍યુ ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ સરકારી હોસ્‍પીટલમાં કીડનીની બીમારીના મહિલા દર્દીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા માટે એમ્‍બ્‍યુલન્‍સ સાથે ઓકસીજનનો અધુરો બાટલો અપાતા મહિલાની રસ્‍તામાં હાલત બગડી હતી અને રાજકોટ પહોંચતા મૃત્‍યુ થયાનો મહિલાના પરીવારજનોએ સરકારી હોસ્‍પીટલના બેજવાબદાર સ્‍ટાફ સામે આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

છાંયા વિસ્‍તારમાં રહેતા શરદભાઇ ભીખાભાઇ શીંગરખીયાએ કલેકટર તથા હોસ્‍પીટલના સિવિલ સર્જન સહિત ઉચ્‍ચકક્ષાએ રજુઆતમાં જણાવેલ કે તેના પત્‍ની સવિતાબેનને કીડનીની બીમારી હોય ભાવસિંહજી સરકારી હોસ્‍પીટલમાં લઇ ગયેલ ત્‍યારે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા ડોકટરોએ અભિપ્રાય  આપ્‍યો હતો. સવિતાબેને રાજકોટ લઇ જવા માટે એમ્‍બ્‍યુલન્‍સ સાથે ઓકસીજનનો અધુરૂ બાટલો અપાતા રસ્‍તામાં સવિતાબેનની હાલત બગડી હતી અને જેતપુરથી પોતાના ખર્ચે નવો ઓકસીજનના બાટલાની વ્‍યવસ્‍થા કરી હતી. પરંતુ રાજકોટ પહોંચતા સવિતાબેનનું મૃત્‍યુ થતા તેના પતિ શરદભાઇ શીંગરખીયાએ સરકારી હોસ્‍પીટલના સ્‍ટાફની બેદરકારીથી ઓકસીજનનો અધુરૂ બાટલો અપાયો હોય પત્‍નીનું મૃત્‍યુ થયાનો આક્ષેપ કર્યો છે. જયારે ભાવસિંહજી સરકારી હોસ્‍પીટલના સ્‍ટાફે જણાવેલ કે ઓકસીજનનો બાટલો પુરો ભરેલો હતો અને રસ્‍તામાં ઓકસીજનનો બાટલો લીકેજ થઇ ગયો હોય તો ખાલી થઇ શકે તેવી સંભાવના રહે છે.

(1:28 pm IST)