Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

હવે આઘા પાછો થયો તો પાડી દઈશ ! ચિખલિયાને કગથરાની માર્મિક ટકોર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કિશોર ચીખલીયાની ઘર વાપસી

મોરબી :  2020માં મોરબી – માળીયા વિધાનસભાની પેટાચૂંટણી સમયે વંડી ઠેકી ભાજપમાં ગયેલા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાફરી  વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કિશોર ચીખલીયાને ખેસ પહેરાવી કોંગ્રેસમાં ઘર વાપસી થઇ હતી ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ખેસ પહેરાવતા માર્મિક ટકોર કરી હતી કે, જો હવે સરખી ગાંઠ વાળજે હવે આઘા પાછો થયો તો પાડી દઈશ !

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આખાબોલા નેતા ગણાતા કિશોર ચિખલિયાને વિધાનસભા પેટા ચૂંટણી સમયે ટિકિટ માટે મતભેદ સર્જાતા કિશોર ચીખલીયાએ કોંગ્રેસ છોડી ભાજપ છાવણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, ભાજપમાં ગયા બાદ કિશોર ચીખલીયા હાંસિયામાં ધકેલાય ગયા હોય તેવી સ્થિતિ સર્જાતા અંતે ગઈકાલે ભાજપને રામરામ કરી કિશોર ચીખલીયાએ પુનઃ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
દરમિયાન આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ થયો હતો. જો કે આ તકે હાજર ટંકારા મતવિસ્તારના ધારાસભ્યે તેમના નજીકી મિત્ર એવા કિશોર ચિખલિયાને ખેસ પહેરાવી બે ગાંઠ લગાવી દઈ એવું કહ્યું હતું કે, હવે આઘા પાછો થયો તો પાડી દઈશ… ધારાસભ્યના આ શબ્દો સાંભળી રમૂજ પ્રસરી હતી અને ખુદ ચીખલીયા પણ હસી પડ્યા હતા.

(1:06 am IST)