Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગોંડલના કોલીથડમાં બાળાનો અપહરણનો પ્રયાસ : આરોપી ન પકડાય ત્યાં સુધી ગામ બંધ

આરોપીઓ બાઇક મુકીને નાશી છૂટ્યા : મહિલાઓ રસ્તા ઉપર ઉતરી

 

ગોંડલ : તસ્વીરમાં મહિલાઓ અને પુરૂષોનાં ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. પ :  ગોંડલ તાલુકાનાં નાના એવા કોલીથડ ગામમાં બાળાને ઉઠાવી જવાનો ૪ શખ્સોએ પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે અને આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી ગામ બંધ રાખીને મહિલાઓ અને પુરૂષો રોડ ઉપર ઉતરી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોલીથડ ગામની બાળાને મોટર સાયકલ ઉપર આવેલા શખ્સો એ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર કોઇ આવી જતા આ જ શખ્સો મોટર સાયકલ મુકીને નાશી છુટયા હતા. જો કે આ બનાવમાં બાળાનું અપહરણ થતા બચાવ થયો હતો.

પરંતુ આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે. અને ગામના મહિલા મંડળના સભ્યો પુરૂષો સૌ કોઇ ટોળા રૂપે એકઠાં થઇ ગયા હતા. અને આ બાળાના અપહરણનો પ્રયાસ કરનારા આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા ઉગ્ર માંગ થઇ છે અને જયાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી કોલીથડ ગામ બંધ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવતા દોડધામ મચી ગઇ છે.

બાળાના અપહરણ પ્રયાસ સામે વિરોધ કરીને મહિલા મંડળના સભ્યોએ આરોપીઓને ઝડપી લઇને કડક સજાની માંગ કરી છે.

નારી સુરક્ષા મુદ્દે કોલીથડમાં મહિલાઓ અને પુરૂષોએ ન્યાય માંગતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(11:33 am IST)