Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોરબી જીલ્લામાં ૫૦ ટીમો દ્વારા પાક નુકસાનીના સર્વે કામગીરી : ૧૦મી સુધીમાં તાલુકામાં સર્વે પૂરા કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫:  જીલ્લામાં ભારે વરસાદને પગલે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થવા પામી છે જેથી જીલ્લામાં પાક નુકશાની સર્વે કરવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ ૫૦ ટીમો તૈયાર કરવામાં આવી છે અને ૫૦ ટીમો દ્વારા પાક નુકશાની સર્વે કરવામાં આવી રહ્યો છે.

મોરબી જીલ્લામાં કુલ ૩.૨૩ લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી દ્યુસી ગયા હોય જેથી વાવેતરને ભારે નુકશાની થવા પામી છે જેમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં મળીને ૬૬ હજારથી વધુ હેકટર જમીનમાં નુકશાની થઇ હોવાનો અંદાજ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું જીલ્લામાં પાક નુકશાની સર્વે માટે ૫૦ ટીમોની રચના કરવામાં આવી છે જેમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક સાથે સરપંચ અને ઉપસરપંચ પણ હાજર રહેશે અને ૫૦ ટીમો દ્વારા તા. ૧૦ સુધીમાં સર્વે કામગીરી પૂર્ણ કરાશે તેવી માહિતી ખેતીવાડી અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.

જિલ્લા પ્રમાણે રસ્તા પાણી લાઇટની પુરતી સુવિધા નથી

સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ કલેકટર અને ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે એક સમયે ઉદ્યોગનગરી, મયુરનગરી અને સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા પામેલ મોરબી શહેરની સ્થિતિ હાલ દયનીય છે. ભાજપ અને કોંગ્રેસ બંનેનું શાસન આવ્યું છે છતાં જીલ્લો બન્યાને ૭ વર્ષ વીત્યા છતાં શહેરને પ્રાથમિક સુવિધાઓ મળી નથી રાજકારણી પક્ષપલટો કરે કે અન્ય સાથે જોડાણ કરે જયારે બીજી બાજુ ખોટા વાયદા આપીને લોકોને સમજાવે છે બંને બાજુથી પ્રજાને લાત પડે છે મોરબી પાલિકા રોડના ખાડા હોય કે ભૂગર્ભ ગટરના પ્રશ્નના ઉકેલ હોય સદંતર નિષ્ફળ રહી છે અને વિકાસને રાજકીય ગ્રહણ લાગ્યું હોવાના આકરા પ્રહારો કર્યા હતા અને પ્રજા પરેશાન હોવાનું જણાવ્યું હતું.

પક્ષો દ્વારા કોરોના ગાઇડ લાઇનનો અમલ કયારે ?

 દલિત મુસ્લિમ એકતા સમિતિ મોરબીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના ગાઈડલાઈન સાથે નાગરિકોએ તહેવારો ઉજવ્યા છે અને કોઈ સ્થળે ભીડ એકત્ર ના થાય તેની તકેદારી રાખી છે પરંતુ રાજકીય પક્ષો અવારનવાર ગાઈડલાઈન્સનું ઉલ્લંદ્યન કરવામાં આવી રહ્યું છે જે બહુ ગંભીર બાબત છે ગાઈડલાઈન ઉલ્લંદ્યને કારણે નિર્દોષ લોકોને કોરોના સંક્રમણ લાગુ થઇ જાય છે અને જાનનું જોખમ થાય છે કોઈપણ રાજકીય નેતાઓની શરમ રાખ્યા વિના કોરોના ગાઈડલાઈનનો અમલ કરાવવા માંગણી છે.

આવનાર સમયમાં રાજયમાં પેટા ચુંટણીઓ યોજવાની શકયતાઓ છે જો પેટા ચુંટણીઓ યોજાશે તો જે તે વિધાનસભા વિસ્તારમાં કોરોના સંક્રમણ ખુબ ફેલાશે અને અત્યાર સુધીમાં નાગરિકોની કોરોના અંગેની કાળજી અને તંત્રની કામગીરી પર પાણી ફરી વળશે જેથી પેટા ચુંટણીઓ મોકૂફ રાખવા માંગ આવેદનમાં કરી છે.

(11:29 am IST)