Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબી લાલબાગ સેવા સદન શ્વાન માટે આરામગૃહ

મોરબી : શહેરમાં શેરીએ ગલ્લીએ અને ખાસ કરીને લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં નંદીઓએ કબ્‍જો જમાવ્‍યા બાદ મોરબી નગરપાલિકા દ્વારા ખાસ નંદીઘરનું નિર્માણ કરી આ નંદીઓને પકડી-પકડી નંદીઘરમાં મૂકી આવ્‍યા બાદ હવે તાલુકા સેવા સદનમાં શ્વાનોએ પોતાની કાયમી જગ્‍યા કરી લેતા અહીં આવતા અરજદારો ૧૪ ઇન્‍જેક્‍શન લેવા પડે તેવી બીકે જાળવી-જાળવીને કચેરીમાં પ્રવેશી રહ્યા છે.

મોરબી પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીથી લઈ ખેતીવાડી, સિંચાઈ, જીએસટી, સબરજિસ્‍ટ્રાર સહિતની કચેરીઓ જ્‍યા બેસે છે તેવા લાલબાગ તાલુકા સેવા સદનના રખરખાવ પ્રત્‍યે તંત્ર જરાપણ ધ્‍યાન આપતું ન હોય આ કચેરી સરકારી કચેરી નહીં પણ પ્રાણી સંગ્રહાલય બની જવા પામી છે. અહીં અગાઉ નંદીઓનો જમાવડો થતો હતો જે નંદીઘર બનતા ઘટવા પામ્‍યો છે ત્‍યાં જ હવે શ્વાનોએ અહીં ડેરાતંબુ તાણ્‍યાં છે.

જો કે આ કચેરીમાં મોટામોટા અધિકારીઓની ઓફિસ આવેલી હોવાનું નહીં જાણતા આ ડાઘીયા શ્વાન અહીં નિરાંતે આરામ ફરમાવતા હોય કચેરીમાં વિવિધ કામ સબબ આવતા અરજદારોને નાહકના ૧૪ ઇન્‍જેક્‍શન લેવા પડે તો તેની ચિંતાએ જાળવી-જાળવીને એકથી બીજી કચેરીમાં જઈ રહ્યા હોવાનું પણ જાગળત નાગરિકો રોષભેર જણાવી રહ્યા છે.

(10:56 am IST)