Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબીના શિક્ષકે NMMSના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન કવિઝનાં ત્રીસભાગ તૈયાર કર્યા

મોરબી,તા.૫ : આગામી ૧૪ તારીખે સમગ્ર રાજ્યમાં ધોરણ ૮નાં બાળકો માટે ફપ્પ્લ્ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે મોટા ભાગના કોચિંગ કલાસો બંધ છે અથવા તો ચાલુ છે ત્યાં ફકત શહેરી વિસ્તારનાં બાળકો જ ત્યાં જઈ તૈયારી કરી શકે છે ત્યારે ગામડામાં રહેનાર ગરીબ વર્ગનાં બાળકો પણ આ પરીક્ષા અંગે ઘેર બેઠા પોતાનું જ્ઞાન ચકાસી અને યોગ્ય દિશામાં તૈયારી કરીને ઉત્તીર્ણ થાય તે માટે મોરબીનાં માળિયા તાલુકાનાં શિક્ષક બેચરભાઈ ગોધાણીએ NMMSનાં સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતી અલગ-અલગ પ્રકારની ૩૦ ઓનલાઈન કિવઝ તૈયાર કરી છે.આ કિવઝની ખાસીયત એ છે કિવઝ પુર્ણ થતા જ બાળકોને તેનુ રિઝલ્ટ અને આન્સરશીટ મળી જાય છે.જેથી બાળક જાતેજ તેનું મૂલ્યાંકન કરી અને ભૂલો સુધારીને યોગ્ય દિશામાં મહેનત કરી શકે છે.આ તમામ કિવઝમાં ઉત્તીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

શાળા સમય બાદ પણ ઘરે સમય ફાળવીને છેલ્લાં બે મહિનાથી આ શિક્ષક દ્રારા ઓનલાઈન કિવઝ બનાવીને ગુજરાતનાં હજારો વિધાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાનાં DPEO સોલંકી, માળિયાનાં TPEO દિપાબેન, CRC ખોડુસિંહ, BRC  નરેન્દ્રભાઈ, સંઘ પ્રમુખ દિનેશભાઈ વગેરે એ આ શિક્ષકની કામગીરીને બિરદાવી છે અને આગળ પણ બાળકોના હિતમાં આ રીતે કામ કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન કરેલ વિશેષ કામગીરી ને GCERT ગાંધીનગર દ્રારા આયોજિત એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પસંદ કરી આગામી ૮ અને ૯ તારીખે યોજાનાર રાજ્ય કક્ષાનાં ઇનોવેશન ફેસ્ટીવલ માટે મોકલવામાં આવી છે.

(1:13 pm IST)