Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બજેટ ચીલાચાલુ છે, ભાવનગર કોંગ્રેસ

ભાવનગર, તા. ૫ :. ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ સામાન્ય બજેટને ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી બજેટ ચીલાચાલુ હોવાનું જણાવ્યુ હતું.

કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પ્રવકતા રામદેવસિંહ ઝાલા, કાળુભાઈ બેલીમ સહિતનાઓએ જણાવ્યુ હતુ કે, બજેટમા ફકત ખાતાકીય ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય અન્ય કોઈ યોજના કે લોકોને લાભ થાય તેવી વાત કહેવામાં આવી નથી. માત્ર આંકડાકીય માયાજાળ રચી દેવામાં આવી છે. બજેટમાં ભાવનગર બંદરના વિકાસ માટે નાણા ફાળવવાની વાત કહેવામાં આવી છે તો બીજી તરફ ભાવનગર જીલ્લાના બંદરોની શું હાલત છે તે સૌ જાણે છે. સાથો સાથ હાલમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ડિઝલ-પેટ્રોલ, રાંધણ ગેસ, ખાદ્યતેલ સહિતની ચીજવસ્તુઓના વધી રહેલા બેફામ ભાવ વધારાને અંકુશમાં લેવા કે ભાવ ઘટાડા માટે પગલા ભરવાની કોઈ વાત આવી નથી. ઉપરાંત બેરોજગાર યુવાનોને રોજી મળે સરકારી નોકરી મળે તે માટેનું પણ કોઈ આયોજન નથી. ટૂંકમાં આ બજેટથી આમ આદમીને સરવાળે કોઈ રાહત થાય તેવુ નથી. જે રીતે સરકાર કલ્પસરની યોજનાની વારંવાર લોલીપોપ આપે છે તે રીતે આ બજેટમાં ભાવનગરને મેટ્રો લાઈટ-પેટ્રોનિયો જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો રેલ સેવા શરૂ કરવાની લોલીપોપ આપી છે. ગત બજેટમાં આપવામાં આવેલા વચનો પુરા થયા નથી ફકત વિકાસની વાતો થાય છે. લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલાતા નથી તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવી આ બજેટને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો હતો.

(10:21 am IST)