Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જન્મદિવસને અનુલક્ષીને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ અભિયાન ::શ્રમિક મજૂરો અને કોરોના વોરિયર્સ માટે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ યોજનાનું પ્રીમિયમ સાંસદ ભરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : (ભુજ) પોતાની સામાજિક સેવા અને લોકઉપયોગી કાર્યો થકી લોકપ્રિયતા હાંસલ કરનાર યુવાન સાંસદ વિનોદ ચાવડાએ એક નવી જ પ્રેરણાદાયી પહેલ કરી છે. આવતીકાલે ૬ માર્ચે સાંસદ વિનોદ ચાવડાનો જન્મદિવસ હોઈ પોતાના જન્મદિવસે શ્રી સમાજ નવનિમાંણ ટ્રસ્ટ તરફથી પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ યોજના માટે ખાસ આયોજન કરાયું છે. સરકારશ્રીની પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ યોજના અંતર્ગત કોરોના સામે સતત ખડેપગે સેવા આપનારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ તથા આરોગ્યસેવા સફાઈ કામદારોનું પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ યોજનાનું એક વર્ષનું પ્રીમિયમ ૧૨ રૂ. સાંસદ વિનોદ ચાવડા સ્વખર્ચે ભરશે. આ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિક મજૂરો, ગુજરાત ના અન્ય જિલ્લાઓમાંથી અહીં મજૂરી માટે આવેલ શ્રમિક મજૂરોને પણ વીમા સુરક્ષા કવચ યોજનાનો લાભ આપવામાં આવશે. જેમના બેંકમાં જનધન એકાઉન્ટ નથી તેમના જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવી તેમનું પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ યોજના હેઠળ એક વર્ષ ના વીમાનું પ્રિમીયમ સાસંદ વિનોદ ચાવડા દ્વારા ભરી દેવામાં આવશે. આ સમગ્ર આયોજનની વ્યવસ્થા શ્રી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ સંભાળશે. સાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ હું પણ કોરોના સંક્રમિત થયો હતો અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં અને હોમ આઈસોલેશન માં હતો, ત્યારે મને વિચાર આવ્યો કે ઘણા કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા હશે. એવા કોરોના વોરિયર્સ જેમના વીમા ન હોય તેમને મદદરૂપ બનવા આ અભિયાન શરૂ કર્યું છે. તા. ૬ માર્ચ ૨૦૨૧ થી ૨૬/૦૩/૨૦૨૧ સુધી આ અભિયાન ચાલુ રહેશે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ હેઠળ રૂ. ૨ લાખ સુધી અકસ્માત મૃત્યુ તથા વિકલાંગતાના સમયે લાભ મળશે. આ વીમા યોજના માટે  વોટ્સએપ નંબર ૯૭૨૭૧૦૫૪૬૭ ઉપર મેસેજ કરવા જણાવાયું છે.

(9:22 am IST)