Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદરમાં વેક્સિન સર્ટીને લઈને ઘોર બેદરકારી: પ્રથમ ડોઝ લિધેલાને બે ડોઝના સર્ટી, આપી દેવાયા

સામાજીક કાર્યકરની સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ : અધિકારીઓએ ટેક્નિકલ ખામી હોવાનું રટણ કર્યું

પોરબંદરમાં કોરોના વેક્સિનના સર્ટીને લઈ ઘોર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તે લોકોને પણ બે ડોઝના સર્ટી આપી દેવામાં આવ્યા છે. આગેવાનોએ વેક્સિનમાં કૌભાંડ હોવાની વાત કરી તો બીજી તરફ અધિકારીઓએ ટેક્નિકલ ખામી હોવાનું રટણ કર્યું છે.

રાજયમાં વેક્સિનેશનની પ્રકિયા પુરજોશમાં ચાલી રહી છે. સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં વેક્સિનના સર્ટીને લઈ ભારે ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં પ્રથમ ડોઝ જે લોકોએ લીધો છે તેવા લોકોને બે ડોઝના સર્ટી આપી દેવામાં આવતા ભારે ચકચાર જોવા મળી રહ્યો છે.

આ અંગે એક સામાજીક કાર્યકરે જણાવ્યું છે કે, કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે સમગ્ર મામલે કંઇ ખોટું થયું નથી અને સગાવહાલાના મોબાઇલ નંબરો સિસ્ટમમાં આપ્યા હોવાથી આવું ક્યારેક થાય તેવું રટણ કરી સબ સલામત ના દાવા કર્યા હતા. હાલ તો જે લોકો એ બીજો ડોઝ નથી લીધો તેવા લોકો હવે બીજો ડોઝ લેવા આરોગ્ય કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે અને પરેશાન થઇ રહ્યા છે.

(11:03 pm IST)