Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઓચિંતા રાજકોટ આવી ખોડલધામ ગયાઃ માં ખોડલ સમક્ષ શિશ ઝૂકાવી આશિર્વાદ લીધા

ભરતસિંહ સોલંકી ખોડલધામની મુલાકાતેઃ નરેશ પટેલ સાથે બેઠક

પાટીદાર અગ્રણી સાથે કોંગી નેતાની બેઠકથી અનેક તર્કવિતર્કઃ મુલાકાત કેવા ગુલ ખીલવશે તે જોવુ રસપ્રદ રહેશે

પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે ખોડલધામની મુલાકાતે જતા પૂર્વે આજે સવારે રાજકોટ આવ્યા હતા અને તે પછી તેઓ ખોડલધામ ગયા હતા તે સમયની તસ્વીર. તસ્વીરોમાં તેઓ ખોડલધામ ખાતે માં ખોડલના આશિર્વાદ ગ્રહણ કરતા નજરે પડે છે. તેમની સાથે કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. બાદમાં તેઓએ વિરપુરની મુલાકાત લીધી હતી અને પૂ. જલારામ બાપા સમક્ષ શિશ ઝુકાવ્યુ હતું. તસ્વીરમાં નીચે તેમનું રાજકોટમાં હાર્દિક સ્વાગત કરતા પ્રદેશ કોંગ્રેસના સિનીયર નેતા ડો. હેમાંગભાઈ વસાવડા પણ નજરે પડે છે. તેમની બાજુમાં મહેશ રાજપૂત પણ ઉભેલા દેખાય છે.

રાજકોટ, તા. ૪ :. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલમાં ગરમાવો શરૂ થયો છે એટલુ જ નહિ તમામ રાજકીય પક્ષોેએ અત્યારથી જ રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવા માટે ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી થયા બાદ આજે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અચાનક ખોડલધામના દર્શને આવતા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યાનું જાણવા મળે છે. તેમની આ મુલાકાતને ઘણી સૂચક ગણવામાં આવી રહી છે. બન્ને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે જાણી શકાયુ નથી પરંતુ આગામી દિવસોમાં તેના કોઈ પડઘા પડે તેવી શકયતા છે.

રાજ્યના પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પક્ષના વરીષ્ઠ નેતા આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમનુ સ્વાગત કરવામા આવ્યા બાદ તેઓ ખોડલધામના દર્શને પહોંચ્યા હતા. તેમની સાથે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત, પ્રદેશ પ્રવકતા મનિષ દોશી, કોર્પોરેશનના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, બિમલ શાહ, ચેતન રાવલ, જસવંતસિંહ ભટ્ટી વગેરે જોડાયા હતા.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામ મંદિર આવી પહોંચતા ત્યાં પણ તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાં તેઓએ ભાવપૂર્વક ખોડલમા સમક્ષ શિશ નિમાવી આશિર્વાદ માંગ્યા હતા. તેમને ત્યાં માતાજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં તેઓએ વિરપુર ખાતે પૂ. જલારામબાપાના પણ ભકિતપૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

ખોડલધામ ખાતે ભરતસિંહ સોલંકી અને પાટીદાર અગ્રણી તથા ખોડલધામ પ્રણેતા નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી. બન્ને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે જાણી શકાયુ નથી પરંતુ ચર્ચા રાજકીય થઈ હોવાનું કહેવાય છે. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા ખોડલધામથી જ માંગણી અને લાગણી વ્યકત કરવામાં આવી હતી કે ૨૦૨૨ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર જ હોવા જોઈએ. આ પછી રાજકીય ભારે ગરમાવો આવ્યો હતો ત્યારે હવે આ બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાત કેવા ગુલ ખીલવશે ? તે જાણવાનું રસપ્રદ બની રહેશે.

આજે સવારે ભરતસિંહ સોલંકી રાજકોટમાં આવ્યા ત્યારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને સ્વાગત વખતે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને પક્ષના સિનીયર નેતા ડો. હેમાંગભાઈ વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદારો કોઈ ચોક્કસથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે આ બન્ને અગ્રણીઓની બેઠક ઘણી મહત્વની બની રહેશે તેવુ કહેવાય છે.

(2:50 pm IST)