Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અતિ ગંભીર દિવ્યાંગોની સેવાએ સમગ્ર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સેવાઃ પ્રો. ચેતન ત્રિવેદી

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

જુનાગઢ તા.૪ : સમાજશાસ્ત્ર વિભાગ, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ ખાતે વિશ્વ વિકલાંગ  દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને ભકતકવિ નરસિ઼હ મહેતાયુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી, મુખ્ય મહેમાન તરીકે જુનાગઢ જીલ્લા કાનુની ન્યાય સેવા સમિતિ જુનાગઢના અધ્યક્ષ પી.એમ.આટોદડીયા, તાલુકા લીગલ સેવા સમિતિ, જુનાગઢના સભ્ય વર્ષાબેન બોરીસાગર, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલા, ડો. પરાગ દેવાણી, ડો. ઋષીરાજ ઉપાધ્યાય, સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પરમાર સહિત સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવનનાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. સમાજશાસ્ત્ર વિભાગના તમામ વિદ્યાર્થીઓએ પોતાની રીતે સાંપ્રત એજયુકેશન ટ્રસ્ટ ખાતે રસોઇ બનાવીને વિકલાંગ વિદ્યાર્થીઓને પોતાના હાથે જમાડયા હતા અને દિવ્યાંગોનીસમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અતિ ગંભીર દિવ્યાંગોની સેવા એ સમગ્ર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સેવા છે. અતિ ગંભીર દિવ્યાંગોની સારસંભાળમાં સરકારશ્રીનો પણ પુરતો સહયોગ મળતો રહે એ ખુબ સરાહનીય બાબત છે. દિવ્યાંગોની સેવા એ જ સાચી પ્રભુ સેવા હોવાનું પણ કુલપતિશ્રીએ જણાવ્યું હતુ. આઉપરાંત પી.એમ.આટોદડીયા, ડો.જયસિંહ ઝાલા તથા વર્ષાબેન બોરીસાગરે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેન્દ્રભાઇ પરમારે સંસ્થાનો પરિચય આપ્યો હતો તથા કાર્યક્રમનું સંચાલન ડો.પરાગ દેવાણીએ કર્યુ હતુ. અંતમાં આભારવિધિ સાંપ્રત સંસ્થાના અનિલભાઇ વાણવીએ કરી હતી.

(12:55 pm IST)