Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઝાલાવાડની ૬ પાલિકા પાસે ૧૦૦ કરોડથી વધુ વિજ બિલ બાકી

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર,તા. ૪ : સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વીજકંપની દ્વારા આમ પ્રજાને બિલ ભરવામાં મોડું થઇ જાય ત્યારે તેનુ વીજકનેકશન કાપી નાખવામાં આવે છે. ત્યારે અંદાજે ૯ વર્ષથી વધુના ગાળા દરમિયાનની જિલ્લાની ૭ નગરપાલિકા પાસે રૂ. ૧૦૦ કરોડથી વધુ વીજ બિલના બાકી નીકળતા પાલિકાઓમાં અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે. સરકારની કરોડોની ગ્રાંટ તેમજ પ્રજાઓ પાસેથી જુદા જુદા વેરાઓની વસૂલાત કરીને વિકાસની બૂમરાણો મારતી પાલિકાઓની આળસ ધ્યાને આવી છે. જેના કારણે આટલી મોટી રકમ બાકી હોવાથી વીજકંપની દ્વારા અવારનવાર નોટિસો પણ ફટકારીને કાર્યવાહી કરાતી હોવાનુ જાણવા મળ્યું છે.

 પાણી અને વીજળી એ લોકોની જીવન જરૂરિયાત વસ્તુ બની ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી નગરપાલિકાઓ દ્વારા કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને લોકો માટે પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવા તત્પર રહે છે. આવા સમયે જ પાલિકાઓની આળશ ધ્યાને આવતા અંદાજે ૯ વર્ષના સમયગાળા દરમિયાન જિલ્લાની ૬ નગરપાલિકા પાસે વીજ કંપનીને રૂ. ૧૦૦ કરોડથી વધુનાં બિલ બાકી હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે આવી પાલિકાઓમાં અજવાળું છતાં વહીવટી કામગીરીમાં અંધારું જોવા મળી રહ્યું છે.

 સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાની ૬ પાલિકા અંદાજે ૧૫૫ પાણી કનેકશન ધરાવે છે. આવા કનેકશનના રૂ. ૭૪.૨૮ કરોડ બાકી નીકળે છે. આ પાલિકાઓનાં ૨૨૩ સ્ટ્રીટ લાઈટ કનેકશનનાં બાકી બિલ ન ભરતા રૂ. ૨૯.૬૫ કરોડ ચૂકવ્યા નથી. જેમાં ખાસ કરીને પાણી અને સ્ટ્રીટ લાઈટના બિલ ન ભરવાના કારણે સુરેન્દ્રનગર-દૂધરેજ -વઢવાણ સંયુકત નગરપાલિક પાસે રૂ. ૫૦.૯૨ કરોડ તેમજ ધ્રાંગધ્રા પાલિકા પાસે ૨૧.૦૭ કરોડ જેટલી જંગી રકમ ભરી નથી. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પાલિકાઓ પાસે બાકી નીકળતી રકમ અંગે ઉચ્ચ કક્ષાએથી મળતા આદેશ મુજબ જાણ તેમજ પાલિકાઓને નોટિસો આપીને પણ કાર્યવાહી કરવામાં આવે છે.

પાલિકા પાણી કનેકશન બાકી રકમ સ્ટ્રીટ લાઈટ કનેકશન બાકી રકમ કુલ સુરેન્દ્રનગર ૩૮ ૨૫૩૬ ૧૨૧ ૨૫૫૬ ૫૦૯૨, થાનગઢ ૨૧ ૬૫૫ ૧૬ ૧૭૨ ૮૨૭, ચોટીલા ૩૩ ૧૦૯૮ ૧૫ ૧૧૪ ૧૨૧૨, લીંબડી ૭ ૩૩૮ ૧૬ ૧૨૦ ૪૫૮, ધ્રાંગધ્રા ૩૯ ૨૧૦૫ ૨૪ ૨ ૨૧૦૭, પાટડી ૧૭ ૬૯૬ ૩૧ ૧ ૬૯૭, કુલ ૧૫૫ ૭૪૨૮ ૨૨૩ ૨૯૬૫ ૧૦૩૯૩ બાકી છે.

 સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧૯ની સ્થિતિએ જિલ્લાની સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, પાટડી, લીંબડી અને વઢવાણ પાલિકાઓ પાસે પાણી કનેકશનના રૂ.૬૩.૮૬ કરોડ બાકી નીકળતા હતા. આ ઉપરાંત તમામ પાલિકાઓ પાસે આ સમયગાળા દરમિયાન રૂ. ૧૯.૨૬ કરોડ બાકી સાથે વીજ તંત્રની રૂ. ૮૩.૧૩ કરોડ જેટલા લેણાં હતા. પરંતુ છેલ્લાં ૨ વર્ષના ગાળા દરમિયાન અંદાજે ૧૭ કરોડ જેટલી બાકી રકમ પણ ચડી ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૯ની સ્થિતિ સ્ટ્રીટ લાઈટના કનેકશન ૧૯૪ હતા. જે હાલની સ્થિતિએ ૨૨૩ પર પહોંચતા ૧૯ નવા કનેકશન વધારો થયો હતો.

  પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ કનેકશનોની આટલી મોટી રકમ પાલિકાઓ પાસે છે. ત્યારે વીજતંત્ર દ્વારા લોકોના હિતને ધ્યાને લઇને કાર્યવાહી કરી રહી છે. કારણે પાલિકાઓ આ રકમ મોટાભાગે ગ્રાંટ કે અન્યમાંથી બાકી બિલની રકમો ચૂકવે છે. પરંતુ જો વીજતંત્ર દ્વારા તેઓના પાણી કે સ્ટ્રીટ લાઈના કનેકશનો કટ કરે તો લોકોને પાણી ન મળે. આ ઉપરાંત વિસ્તારોમાં અંધારું રહેવાની પણ સમસ્યા ઊભી થાય તેમ છે. 

(12:13 pm IST)