Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

૧૮ માછીમારો સાથે બે પાકિસ્તાનની બોટ ઝડપાઇ

ભારતીય ક્રોસગાર્ડની સઘન કાર્યવાહી : તમામને ઓખા બંદરે લવાયા

જામખંભાળીયા/ઓખા,તા.૪ : ઓખા નજીક ભારતિય જળસીમામાંથી ગઈકાલે અહીંના કોસ્ટ ગાર્ડ વિભાગ દ્વારા માછીમારી કરવા ઘુસી આવેલી બે ફિશીંગ બોટ પકડી પાડવામાં આવી હતી. જેમા સવાર કુલ ૧૮ માછીમારોને ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા. જેની પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે સરકારી સૂત્રો દ્વારા  પ્રાપ્ત વિગત મુજબ ઓખા નજીકના અરબી સમુદ્રમાં પેટ્રોલીંગમાં રહેલી આધુનિક એવી અરિજય બોટ દ્વારા પાકિસ્તાનની બે બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી માછીમારી કરતી હોવાથી આ બંને બોટોને ઝડપી લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગ ભારતીય જળસીમા મારફતે મોટી માત્રામાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અહીં ઉતારવામાં આવો છે. આ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ સતર્કતા દાખવી અને પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

ઓખા કોસ્ટ ગાર્ડની ''અરિંજય'' શિપ આજે અરબી સમુદ્રમાં પેટ્રોલીંગ દરમિયાન બે પાકિસ્તાની બોટ અને ૧૮ જેટલા પાકિસ્તાની માછીમારો ભારતીય સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે દરિયાઈ સરહદ ભંગ કરવાના ગુન્હામાં પકડી લીધા હતા. બને બોટ અને ૧૮ માછીમારોને ઓખા બંદર ઉપર વધુ પૂછપરછ માટે લાવવામાં આવી રહ્યા છે.બનાવની ગંભીરતા જોતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ એજન્સી ઓ વધુ તપાસ માટે જોડાઈ હતી.

(11:26 am IST)