Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

નવાબંદર દરિયામાં ૩ લાપત્તા ખલાસીઓની શોધખોળ

વધુ બે મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક પાંચ થયોઃ રાજેશભાઈ ચુડાસમાએ નવાબંદરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને નુકસાનીની વિગતો જાણીઃ બચાવ કામગીરી માટે એનડીઆર ટુકડી આવીઃ ૪ ખલાસીઓને બચાવ્યા

(નવીન જોષી, દેવાભાઈ રાઠોડ દ્વારા) ઉના-પ્રભાસપાટણ, તા. ૪ :. નવાબંદર દરિયામાં બે દિવસ પહેલા મીની વાવાઝોડામાં ફસાયેલી ૧૦ બોટોમાં લાપત્તા થયેલ ૧૨ ખલાસીઓમાં ૪ ખલાસીઓનોે બચાવ અને ૫ ખલાસીઓના મૃતદેહ મળ્યા બાદ હજુ લાપત્તા ૩ ખલાસીઓની તંત્ર દ્વારા શોધખોળ ચાલી રહી છે.

નવાબંદરમાં બોટમાંથી દરીયામાં લાપત્તા થયેલ વધુ બે માછીમારના મૃતદેહ ગઈકાલે દરીયામાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. હજુ ૩ ખલાસી લાપત્તા શોધખોળ ચાલી રહી છે.

નવાબંદરમાં બુધવારે મીની વાવાઝોડુ ફુંકાતા ૧૦ બોટ ડૂબી ગઈ હતી. જેમાં ગઈકાલે એક માછીમાર ખલાસીનો મૃતદેહ મળી આવેલ હતો. ત્યાર બાદ બપોર સુધીમાં વધુ બે માછીમારોના મૃતદેહ મળી આવેલ હતા. સાંજના વધુ બે ખલાસીઓ  કલ્પેશભાઈ રાણાભાઈ સોલંકી (ઉ.વ. ૨૬) રહે. નવાબંદર તા. ઉના (૨) સાગરભાઈ જીતુભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨) રહે. માણેકપુર તા. ઉનાવાળાના મૃતદેહો દરીયામાંથી મળી આવતા બચાવ ટીમ દરીયાકાંઠે લાવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે.

નવાબંદર ખાતે ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાના કારણે થયેલી તારાજીનો તાગ મેળવવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા નવાબંદર જેટી ખાતે પહોંચ્યા હતા. સાંસદશ્રીએ બંદરના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થાનિક માછીમાર સમાજના આગેવાનો પાસેથી નુકસાનીની વિગતો જાણી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ માટે રજૂઆત કરવાનું જણાવ્યુ હતુ. બાદમાં રાહત-બચાવની કામગીરી કરી રહેલ તંત્રના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીને માછીમારોની શોધખોળની કામગીરી ઝડપભેર કરવા સૂચના આપી હતી.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યુ કે, આ સમગ્ર ઘટના ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સતત નજર રાખી રહ્યા છે. તેમજ ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાને કારણે જે માછીમાર ભાઈઓને જે નુકસાન થયુ છે. તેની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે. રાજેશભાઈની નવાબંદર ખાતેની મુલાકાત દરમિયાન જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન હરીભાઈ સોલંકી, ઉના પ્રાંત અધિકારી જે.એમ. રાવલ, મામલતદાર રાહુલ ખાંભરા, ફિશરીઝ ડિરેકટર તુષાર પુરોહીત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(

(11:17 am IST)