Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મંત્રી બ્રિજેશભાઈ મેરજાની દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત : પીએમએ મોરબીના ખબર અંતર પૂછી ગ્રામ પંચાયત વિભાગની તમામ ઝીણવટભરી વિગતો મેળવી

શું હાલ-ચાલ છે મોરબીના ? સિરામિક ઉદ્યોગ કેવો ચાલે છે ? તેવો સવાલ દેશના વડાપ્રધાન મોદીએ તેમની શુભેચ્છા મુલાકાતે આવેલા મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને મોરબીની તેમજ બ્રિજેશભાઈના વિભાગની ઝીણવટ ભરી માહિતી પણ મેળવી

મોરબી :રાજ્યના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓએ શાલ ઓઢાડી નરેન્દ્ર ભાઈ મોદીનું સન્માન પણ કર્યું હતું. વધુમાં બ્રિજેશભાઈ મેરજાને પ્રથમ તો વડાપ્રધાન મોદીએ એ જ સવાલ કર્યો કે શું હાલ- ચાલ છે મોરબીના ? સિરામિક ઉદ્યોગ કેવો ચાલે છે ? ત્યારે જવાબમાં મંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ કહ્યું હતું કે મોરબીમાં ટનાટન છે. સિરામિક ઉદ્યોગ પણ વિશ્વમાં નંબર વન બનવાની દોડમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને સ્થાનિક તંત્ર વિશે પણ માહિતી મેળવી હતી.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને બ્રિજેશભાઈ મેરજા વચ્ચે રાજ્યના પંચાયત વિભાગની કામગીરી, સામાન્ય મુદ્દાઓ સહિતની ચર્ચાઓ થઈ હતી. બ્રિજેશભાઈ મેરજાએ સરકારે ચાઈના ઉપર એન્ટી ડમપિંગ ડ્યુટી નાખી તે બદલ વડાપ્રધાનનો સિરામિક ઉદ્યોગો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિજેશભાઈ મેરજાને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. વધુમાં તેઓની સાથે મુક્તમને ચર્ચા પણ કરી હતી

(10:59 am IST)