Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોરોના ઓમીક્રોન વાયરસની દહેશતને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ.

મોરબી :સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટના લીધે ફરીથી ભયની માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટથી પ્રભાવિત કુલ ૧૧ હાઈરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓને ભારતમાં દાખલ થયેથી રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે. તેમજ આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યેથી વધુ ૭ દિવસ માટે કોરેન્ટાઇન રહેવાનું રહે છે. તેમજ ૭ દિવસ પૂર્ણ થયેથી ૮ માં દિવસે ફરીથી તેમનો રીપોર્ટ કરવામાં આવશે.
જો આ પ્રવાસીઓમાં ૭ દિવસ દરમિયાન જો કોરોનના કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય ને કોવીડ પોઝીટીવ આવે તો તેઓને અલગથી આઇસોલેશન કરવાના છે. ઉપરોક્ત વ્યવસ્થા માટે મોરબી જીલ્લા વહીવટી તંત્ર તરફથી આવા પ્રવાસીઓ માટે હોટેલ આઇસોલેશન તેમજ હોસ્પિટલ આઇસોલેશનની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે. તેમજ સ્વખર્ચે હોટેલ આઇસોલેશન માટે હોટલ રીઝેન્ટા, નેશનલ હાઇવે મોરબી તેમજ સ્વખર્ચે હોસ્પિટલ આઇસોલેશન માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલ એમ ૨ પ્રાઇવેટ ફેસીલીટી આવા પ્રવાસીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ છે.
  વધુમાં અત્યાર સુધી મળતી માહિતી મુજબ હાલમાં આપવામાં આવી રહેલ કૉરોના વેક્સીન આ નવા ઓમીક્રોન વેરીએન્ટ સામે પણ કારગત નીવડી શકે તેમ છે. આથી વેક્સીનેશનમાં બાકી રહેતા પ્રથમ તેમજ બીજા ડોઝના લાભાર્થીઓ વહેલી તકે વેક્સીનેશન લઇ લેવા સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર મોરબીની જનતાને અપીલ કરી છે.

(10:57 am IST)