Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ભાવનગર-તળાજા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવકઃ 1200થી 1700 રૂપિયા ભાવ બોલાયો

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળ્‍યા

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. ખેડૂતોને યાર્ડ ખાતે કપાસના ૧૨૦૦થી ૧૭૦૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ પ્રારંભના ભાવો સારા મળતાં હોવાથી ખેડૂતો કપાસ લઈને વેચાણ માટે આવી રહ્યા છે. જોકે ગત વર્ષના અંતિમ તબક્કામાં ખેડૂતોને ૨૨૦૦ થી ૨૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.

ભાવનગર જિલ્લામાં તળાજા કપાસના વાવેતરનું હબ ગણાય છે. જેથી તળાજા માર્કેટયાર્ડમાં હાલ કપાસની પુષ્કળ આવક શરૂ થઇ છે. જ્યારે છેલ્લા બે દિવસથી ખેડૂતો સારા ભાવો મળતાં હોવાથી ભાવનગર માર્કેટયાર્ડમાં પણ કપાસ લઈને આવી રહ્યા છે. ગતવર્ષ ૨૦૨૧માં જિલ્લામાં ૨,૨૨,૬૮૫ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૨ માં ખેડૂતો દ્વારા ૨,૩૮,૯૦૮ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે કપાસનું ૧૬ હજાર હેકટર વધુ વાવેતર થયું છે. હાલમાં તળાજા માર્કેટ યાર્ડ ખાતે રોજની ૪૦૦ થી ૫૦૦ ગાંસડી કપાસ ઠલવાઈ રહ્યો છે. જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં પણ આવક શરૂ થતાં રોજની ૨૦૦ ગાંસડીથી વધુ કપાસની આવક થઈ રહી છે.

જ્યારે ગતવર્ષ પ્રારંભમાં કપાસના ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને પ્રતિમણ કપાસના ૧૨૦૦થી ૧૭૦૦ રૂપિયાથી વધુ ભાવ મળતા થયા છે. ગતવર્ષે સીઝનના અંતમાં ખેડૂતોને ૨૨૦૦ થી ૨૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જોકે ચાલુવર્ષે પ્રારંભમાં મળી રહેલા ભાવના કારણે ખેડૂતોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે હજુ થોડા સારા ભાવ મળે એવી આશા રાખી રહ્યા છે.

હાલમાં કપાસના જે ભાવ મળી રહ્યા છે તેની પાછળ કપાસમાં રહેલો ભેજ જવાબદાર છે. ચોમાસુ હજુ પૂરું જ થયું છે, અને તડકો પડી રહ્યો છે જેના કારણે સારો કપાસ આવતા ભાવ પણ વધશે. તેમજ અમેરિકા અને ચીનમાં પણ ચાલુ વર્ષે કપાસની પુષ્કળ માંગ નીકળશે જેના કારણે નિકાસ પણ વધશે અને નિકાસ વધતા ખેડૂતોને કપાસના સારા ભાવ પણ મળી રહેશે અને ખેડૂતોની દિવાળી પણ સુધરી જશે.

(5:43 pm IST)