Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બેટ દ્વારકામાં ૪ કરોડથી વધુની કિંમતો ઉપરની જમીનોના દબાણ દૂર

૧.૮૦ હજાર ફુટ જમીન ખુલ્લી કરાઇ : ધર્મનાં નામે થયેલ ૨૦ ગેરકાયદે બાંધકામ હટાવાયા : ચોથે દિ' ડિમોલીશન કામગીરી ચાલુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમિયાન જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

બેટ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરવાની કામગીરી હાથ ધરાઈ જયારે અનેક સ્‍થળોએ જિલ્લા પોલીસે દરોડા પાડયા છે.

દારૂના નશાના કારોબાર સાથે સંકળાયેલા બુટલેગરોના સ્‍થળે પર પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.

જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને મોટી માત્રામાં દારૂ સાથે બે લોકોને ઝડપી લીધા છે.

પોલીસે આશરે દારૂની ૧૩૦ થી વધુ પેટીઓ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી ત્‍યારે કેટલાક બુટલેગરોના નામ ખુલે તેવી પુરેપુરી શક્‍યતા છે.

જિલ્લામાં મેગા ઓપરેશન અને પોલીસના દરોડા થી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

બેટ દ્વારકામાં ડિમોલીશન આજે સતત ચોથા દિવસે ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે યથાવત છે. ૩ દિવસમાં ૪ કરોડથી વધુની કિંમતના દબાણો દૂર કરાયા છે. ૧ લાખ ૮૦ હજાર ફુટ જમીન પરના દબાણો દૂર કરાયા છે. ધર્મના નામે થયેલા ૨૦ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે. ૩ દિવસમાં ૪૫ સ્‍થળો પરથી દબાણો હટાવાય છે.

દાંડી હનુમાન રોડ પર પાંજરાવાલાનો અતિ આધુનિક બંગલો તોડી પાડવામાં આવ્‍યો છે. બેટ દ્વારકામાં જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે મોટા માથાઓના દબાણો દૂર કરવામાં આવ્‍યા છે.

હથિયારો સાથે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે બેટ દ્વારકામાં પોલીસના ધામા છે. એસપી.ના માર્ગદર્શન હેઠળ બેટ દ્વારકામાં ચાપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે. ગૌચર અને ગામતળની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો ખડકાયો છે. તે દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

(1:37 pm IST)