Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વન વિભાગ દ્વારા ટ્રાન્‍ઝીટ પરમીટ આપવામાં વિલંબ થવાના કારણે

કંડલા બંદરે લાકડા ભરેલા ૩૫૦ ટ્રકો અટવાયા

૧લીથી પરમીટ ઓનલાઇન થતાં ગુંચ ઉભી થઇ : જરૂરી સુવિધા વગર ઓનલાઇન પરમીટ શરૂ કરાતા વેપારીઓ હેરાન-પરેશાન

નવી દિલ્‍હી તા. ૪ : વન વિભાગ દ્વારા ટ્રાન્‍ઝીટ પરમીટ મળવામાં મોડું થવાના કારણે કંડલામાં લાકડાથી ભરેલા ૩૫૦ ટ્રકો રોકાઇ રહ્યા છે. આ ટ્રકો ટ્રાન્‍ઝીટ પરમીટ વગર બંદર વિસ્‍તારની બહાર નથી નિકળી શકતા.
લાકડાના વેપારીઓનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા ટ્રાન્‍ઝીટ પરમીટ ૧ ઓકટોબરથી ફરજીયાત ઓનલાઇન કરી દેવાઇ છે પણ તેના માટેનું યોગ્‍ય ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તેમણે તૈયાર નથી કર્યું આના કારણે ટીપી મેળવવામાં મોડું થઇ રહ્યું છે.
દેશમાં લાકડા ઉદ્યોગનું કંડલા મોટું મથક છે અને દેશમાં આયાત કરાતા લાકડાનો ૭૦ ટકા માલ કંડલાના પંડિત દિનદયાલ બંદર પર ઉતરે છે. અહીં આવતા આયાતી લાકડાની સરેરાશ વાર્ષિક કિંમત લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયા છે.
પોતાના ટ્રકો રોકાઇ રહેવાના કારણે કંડલા ટીમ્‍બર એસોસીએશન (કેટીએ)એ રવિવારે આપાતકાલિન મીટીંગ બોલાવી હતી. જેમાં તેમણે વનવિભાગ દ્વારા જ્‍યાં સુધી યોગ્‍ય માળખુ ના ગોઠવાય ત્‍યાં સુધી ઓફલાઇન ટીપી આપવાની સીસ્‍ટમ ચાલુ રાખવાની માંગણી કરી હતી.
એસોસીએશનના સભ્‍યોનું કહેવું છે કે, કંડલાની વન વિભાગની કચેરીમાં કોમ્‍પ્‍યુટર કે હાઇસ્‍પીડ ઇન્‍ટરનેટ પણ નથી. ફોરેસ્‍ટ પરમીટ મંજૂર કરવા માટે પોતાના મોબાઇલનો ઉપયોગ કરે છે અને આના કારણે શનિવારે આવેલી ૩૭૫ અરજીઓમાંથી ફકત ૭૦ પરમીટ ઇસ્‍યુ થઇ શકી. નિયમ અનુસાર ટીમ્‍બર મેન્‍યુફેકચરરે આયાત કરતી વખતે વન વિભાગને આયાતના કાગળો રજૂ કરવાના હોય છે. ત્‍યારપછી તેને ઘરેલુ બજાર સુધી પહોંચાડવા માટે ટીપીની જરૂર પડે છે.
એસોસીએશનના પ્રમુખ નવનીત ગુજ્જરે કહ્યું કે, ઓફલાઇન સીસ્‍ટમ રહેલ ભ્રષ્‍ટાચારને દૂર કરવા અમે ઇચ્‍છીએ છીએ. આ સીસ્‍ટમ ઓનલાઇન બને. અમે આના માટે ગાંધીનગરમાં રજૂઆત પણ કરી છે પણ કમનસીબે સ્‍થાનિક વનવિભાગની કચેરીનો અમને સહકાર નથી મળતો. અમારૂં માનવું છે કે, અધિકારીઓએ પૂરતું માળખુ ઉભુ કર્યા વગર જ આ સીસ્‍ટમ ચાલુ કરી દીધી છે.
તેમણે કહ્યું કે, અમે યોગ્‍ય ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સાથે ઓનલાઇન ટીપી સીસ્‍ટમ ઇચ્‍છીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે વન વિભાગ હજુ પણ વર્ષો જુની સૂર્યોદયથી સૂર્યાસ્‍ત સુધી જ ટીપી ઇશ્‍યુ કરવાની પ્રથા ચલાવી રહ્યો છે. અમે ૨૪×૭ ની સુવિધા ચાલુ થાય તેવું ઇચ્‍છીએ છીએ.
કચ્‍છના પૂર્વ ડીસીએફ ગોવિંદસિંહ સરવૈયાએ કહ્યું ‘અમે આ પધ્‍ધતિને સરળ બનાવવા માંગીએ છીએ અને ટીપી ઇસ્‍યુ કરવા માટે અમે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પણ તૈયાર કર્યું છે. આ સીસ્‍ટમ અમારા અધિકારીઓ તેમજ વેપારીઓ માટે પણ નવી હોવાથી કેટલીક મુશ્‍કેલીઓ ઉભી થઇ રહી છે. કેટલીક ટેકનીકલ મુશ્‍કેલીઓ છે જેનું નિરાકરણ લાવવામાં આવશે.'
સરવૈયાએ કહ્યું કે, વન કાયદા અનુસાર ટીપી સૂર્યાસ્‍ત સુધી જ આપી શકાય છે પણ અમને છેલ્લા બે કલાકમાં ૨૦૦ અરજી મળી હતી જેનો નિકાલ સમયમાં કરવો મુશ્‍કેલ હતો. તેમણે કહ્યું કે, સમય મર્યાદાનો નિયમ છે જે સુધારવામાં આવે તો અમે તેનું પાલન કરવા તૈયાર છીએ.

 

(11:21 am IST)