Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યા તથા ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલાં, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહની જન્મ શતાબ્દી અવસરે -- રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા ખાતે -- `ગાંધી વંદના’ - સ્વરાંજલિ તથા `જેણે જીવી જાણ્યું’ – સ્મરણાંજલિ કાર્યક્ર્મ યોજાયો

 ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ગંગારામ વાઘેલા અને પંકજ ભટ્ટએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવી :  પ્રવીણભાઈ લહેરી (આઈએએસ) અને ડૉ. અનામિકભાઈ શાહએ પ્રેરક વક્તવ્ય આપ્યું :  ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા યોજાયેલ સમગ્ર ગાંધી-મેઘાણી-સાહિત્યનાં પુસ્તક પ્રદર્શનની મોટી સંખ્યામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી :વિશ્વભરમાં વસતાં દસ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ માણ્યું

મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યા તથા ગાંધી-સર્વોદય મૂલ્યો-વિચારોને વરેલાં, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહની જન્મ શતાબ્દી અવસરે -- રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા ખાતે ગાંધી વંદના - સ્વરાંજલિ તથા જેણે જીવી જાણ્યું – સ્મરણાંજલિ કાર્યક્ર્મનું આયોજન થયું હતું. આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહૂતિ-બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ કમિશ્રર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. અગ્રગણ્ય ગાંધી-ખાદી-રચનાત્મક-સર્વોદય સંસ્થાઓ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીયશાળા અને ગ્રામ સ્વરાજ મંડળનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. 

પિનાકી મેઘાણી, સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારનાં ડૉ. અ‍ક્ષયભાઈ-અનારબેન શાહ અને ડૉ. અમિતાબેન-ડો. દિનેશભાઈ અવસ્થી ઉપરાંત ભારત સરકારના પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથીરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ કનુભાઈ (પી. કે.) લહેરી (આઈએએસ),  ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાલરિયા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ઉપપ્રમુખ હિંમતભાઈ ગોડા, પ્રમુખના સહયોગી કરસનભાઈ ડાંગર, વલ્લભભાઈ લાખાણી, મંત્રી પરાગભાઈ ત્રિવેદી, દિપેશભાઈ બક્ષી અને રાજુલભાઈ દવે, લોકભારતી (સણોસરા)ના કુલપતિ અરૂણભાઈ દવે, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને વૈજ્ઞાનિક ડૉ. અનામિકભાઈ શાહ, વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રી અને નહેરુ પ્લેનેટોરિયમના પૂર્વ નિયામક જે. જે. રાવલ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના પ્રમુખ અને સમન્વય (રાજકોટ)ના મંત્રી અજયભાઈ દોશી, ઉદ્યોગ ભારતી (ગોંડલ)ના મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, વલ્લભ કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટી મધુભાઈ ડોંગા, પ્રફુલભાઈ ગોહિલ અને નિયામક હિરાબેન માંજરિયા, લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડૉ. રમેશચંદ્ર ભાયાણી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ વિભાગ) લલિતભાઈ મોઢ, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ (ગઢડા)ના દિલીપભાઈ શુક્લ, સૌરાષ્ટ્ર હિંદી પ્રચાર સમિતિના કલ્પેશભાઈ જાદવ, સ્વ. વજુભાઈ શાહ પરિવારના ડૉ. પ્રીતિબેન શાહ, અમીબેન શાહ, આરતીબેન શાહ, પૂર્ણિમાબેન શાહ, હનીબેન શાહ, રંજનબેન શાહ, ગૌરીબેન મેઘાણી (અમેરિકા), એમ. જે. કુંડલિયા કોલેજના પ્રાચાર્ય ડો. સ્મિતાબેન ઝાલા, યશવંતભાઈ જનાણી, ભારત તિબેટ સંઘ અને નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, એ. સી. દેસાઈ, ચોટીલાથી કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ઉગ્રસેનસિંહ ગોહિલ અને મુકુંદભાઈ પંડ્યા, અનવરભાઈ થેબા, નયનભાઈ પંચોલી, તરૂણભાઈ શાહ, ધ્રુતિબેન લાલા, સમીરભાઈ દવે, વાલજીભાઈ પિત્રોડા, પીયૂષભાઈ વ્યાસ, વિનોદભાઈ મિસ્ત્રી, હસુભાઈ ઘાઘરેટિયા, અબ્બાસભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા પેઢીએ પણ મન મૂકીને કાર્યક્ર્મને માણ્યો હતો.  

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ગંગારામ વાઘેલા તેમજ પંકજ ભટ્ટ (સંગીતકાર) અને, મુકુંદભાઈ જાની (વાદ્ય-વૃંદ)એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવી હતી. લોકલાગણીને માન આપીને રઢિયાળી રાતના લોકગીતો અને સોરઠી સંતવાણીના ભજનો પણ રજૂ થયાં હતાં. પ્રવીણભાઈ લહેરી અને ડૉ. અનામિકભાઈ શાહએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. વિશ્વભરમાં વસતાં દસ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મનું ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ માણ્યું હતું.

ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી, રાજકોટ દ્વારા સમગ્ર ગાંધી-મેઘાણી-સાહિત્યનું પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મોટી સંખ્યામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

સર્વોદય સેવા સંઘ દ્વારા સંચાલિત માટેલ (તા. વાકાનેર, જિ. મોરબી) સ્થિત આશ્રમશાળા ખાતે સ્વ. વજુભાઈ શાહ કન્યા છાત્રાલયના નિર્માણ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સેવા ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા રૂપિયા પાંચ લાખનો ચેક ભેટરૂપે અપાયો હતો. સ્વ. જયાબેન અને સ્વ. વજુભાઈ શાહ દ્વારા લિખિત 11 જેટલાં પ્રેરક પુસ્તકોની ઈ-બુક સ્વરૂપે ડીજીટલ આવૃતિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધીરૂભાઈ ધાબલિયા – ગ્રામ સ્વરાજ મંડળ (પારડી)ના સૌજન્યથી અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ દ્વારા નિર્મિત અને અપૂર્વભાઈ આશર - સિગ્નેટ ઈન્ફોટેક (અમદાવાદ) દ્વારા ડિઝાઈન કરેલી 11 ઈ-બુક ઈન્ટરનેટ www.eshabda.online/jayabenvajubhai પર વિના-મૂલ્યે વાંચી શકાશે. સ્વ. જયાબેન શાહ દ્વારા 1987માં લિખિત સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો પુસ્તકની નવીન આવૃત્તિ સહિત રૂ. 1370 મૂલ્યનો કુલ સાત પ્રેરક પુસ્તકોનાં સેટ ગુજરાત રાજ્યની તમામ સરકારી પુસ્તકાલયોને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ) દ્વારા ભેટ આપવામાં આવ્યાં હતાં.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  9825021279 )

(10:07 am IST)