Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

અંતે ૨૧ કલાકના મેગા રેસ્કયુ ઓપરેશન બાદ બે વર્ષની રોશની અંતે જીવન - મૃત્યુ વચ્ચેનો જંગ હારી ગઈ: હૈયું વલોવી નાખતું માતાનું કલ્પાંત

અન્ય દુર્ઘટનાઓની જેમ જ આ દુર્ઘટનામાં પણ ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા આ અત્યંત ગરીબ પરપ્રાંતિય ખેત મજુર પરિવારને સારી એવી રાહતની રકમ મળે તેવા ફળદાયી પ્રયાસો રાઘવજીભાઈ, મેઘજીભાઈ અને કલેક્ટરશ્રી કરે તેવી લોક લાગણી પ્રવર્તે છે

ધ્રોલ: (સંજય ડાંગર ધ્રોલ દ્વારા) જામનગર તાલુકાના તમાચણ ગામેખેતરમાં આવેલ  બોરવેલ માં પડી ગયેલ બાળકીની કરુણ ધટનાના પગલે ભારે અરેરાટી પ્રસરી છે. ૨૧ કલાકના મેગા રેસ્કયુ ઓપરેશન બાદ બે વર્ષની રોશની જીવન - મૃત્યુ વચ્ચેનો જંગ હારી જતા હૈયું વલોવી નાખતું માતાનું કલ્પાંત ભલભલાની આંખમાં પાણી લાવી દીધેલ.

સેનાની ટુકડી, એન.ડી.આર.એફ, સૈારાષ્ટ્રના ફાયર ફાઈટરોની ટીમ બાળકીને બચાવવા માટે દિવસ–રાત કામે લાગી હતી.

બાળકીને બહાર કાઢવામાં આવતા સમયે પરપ્રાંતીય ખેતમજુર દંપતીના હૈયાફાટ રુદનથી હાજર રહેલા બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

જામનગર તાલુકાના તમાચણ ગામે ગઈકાલે સવારે વાડીના બોરવેલ માં ખેતમજુરની બાળકી રમતા રમતા પડી ગયા બાદ તાકીદે તંત્ર ધ્વારા આ બાળકીને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પરંતુ ઈશ્વરની ઈચ્છા આગળ હાથ હેઠા પડયા હોય તેમ કલાકોની જહેમત બાદ બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ધટના બનતા સમગ્ર હાલર પંથકમાં બાળકી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પરંતુ બાળકી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવતા ભારે અરેરાટી ફલાઈ છે.

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના તમાચણ ગામે ગોવિંદભાઈ ટપુભાઈ પ્રજાપતિની વાડીને પરપ્રાંતથી પેટીયુ રડવા આવેલ લાલુભાઈ અને રમુબેન નામનો ખેતમજુર પરીવાર વાડીમાં કપાસ વાવેલ હોય મજુરી કામ કરી રહયા હતા. ત્યારે ગઈકાલે સવારે ફુલ જેવી નાજુક બે વર્ષની બાળકી રોશની રમતા રમતા વાડીમાં આવેલ બોરવેલ માં પડી જતા ભાગદોડ મચી ગઈ હતી. 

તાકીદે વાડી માલીક સહીત ગ્રામજનોને જાણ કરવામાં આવતા જામનગર અને સૌરાષ્ટ્રભરમાંથી જરુર પડે તેમ અનુભવી ફાયર ફાઈટરોની ટીમ તમાચણ ગામે દોડી ગઈ હતી અને ઊંડા બોરની બાજુમાં બીજો મોટો બોર કરીને બાળકીને બચાવવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સાથે મદદ માટે એન.ડી.આર.એફ. જામનગર, સેનાની ટુકડી, આરોગ્યની ટીમ સહિત તમામ લોકો આ માસુમ બાળકીને બચાવવા માટે કામે લાગ્યા હતા.

સતત ૨૧ કલાક સુધી તમાચણ ગામે ગ્રામજનો વગેરેની હાજરીમાં મોટા પાયે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતુ અને અંતે આજે સવારે ૬ કલાકે બોરમાંથી બાળકીને બહાર કાઢવામાં આવતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીને મૃત હાલતમાં જોઈને રોશનીની માતાનું કરુણ હૈયાફાટ રુદન જોઈને ઘટના સ્થળે બચાવ કાર્યની ટુકડી તેમજ ગ્રામજનો વગેરે સહુની આંખોમાં  આંસુ આવી ગયા હતા. આ ધટનાથી જામનગર જીલ્લામાં ભારે અરેરાટી વ્યાપી થઈ હતી. 

અન્ય દુર્ઘટનાઓ ની જેમ જ આ દુર્ઘટનામાં પણ રાજ્ય સરકારે આ અત્યંત ગરીબ પરપ્રાંતિય ખેત મજુર પરિવારને સારી એવી રાહતની રકમ આપવી જોઈએ તેવી લોક લાગણી પ્રવર્તે છે.

૨૧ કલાકની જહેમત બાદ માસુમ બાળકી રોશની જીંદગી સામેનો જંગ હારી ગઈ હતી. 

આ બનાવથી કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલ દુઃખની લાગણી વ્યકત કરેલ. આ બાળકીને બચાવવા માટે રાધવજીભાઈ પટેલ સતત તંત્રના સંપર્કમા હોવાનું ટવીટ કરીને જણાવ્યુ હતુ. 

ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો બનાવ સ્થળે ખડેપગે રહીને બચાવ કાર્યમાં સહભાગી થયા હતા. પરંતુ અંતે આ એક જીંદગીને બચાવવા માટેના જંગના અંતે ૨ વર્ષની બાળકી રોશનીનું મૃત્યુ નિપજતા સમગ્ર જામનગર જીલ્લામાં શોકનું વાતાવરણ જોવા મળી રહયુ છે...

(12:48 pm IST)