Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કેશોદમાં રામનવમીનું બેનર ફાડી નાંખતા મામલો બિચક્‍યો

પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૪:  સમગ્ર સૌરાષ્ટ્રમાં રામનવમીની સૌથી મોટી શોભાયાત્રા કેશોદ શહેરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કાઢવામાં આવે છે. ત્‍યારે આ વર્ષે પણ ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવનારી છે જેની તૈયારી રૂપે શહેરમાં બસોથી વધારે હોડિંગ્‍ઝ ઉભાં કરવામાં આવી રહ્યાં છે જેમાં કેશોદના જુના બસ સ્‍ટેન્‍ડ પાસે રામનવમીની શોભાયાત્રા નું હોડિંગ્‍ઝ લગાવવામાં આવી રહ્યું હતું ત્‍યારે અચાનક જુના બસ સ્‍ટેન્‍ડ માં પેશકદમી કરી રહેતાં અસામાજિક તત્‍વોએ બેનર ફાડી નાંખતા મામલો બિચક્‍યો હતો. અ વાયુવેગે સમાચાર શહેરમાં પ્રસરી જતાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો આગેવાનો ઉપરાંત ભાજપના પદાધિકારીઓ ઘટનાસ્‍થળે ઉમટી પડ્‍યા હતા. કેશોદ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવામાં આવતા તાત્‍કાલિક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળી સહિત પોલીસ કાફલો દ્યટનાસ્‍થળે દોડી આવી સર્ચ ઓપરેશન હાથ ધરી આવારા તત્‍વોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કેશોદ ડિવાયએસપી ગઢવી દ્વારા રામભકતોને સાંત્‍વના આપી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાત્રી આપતાં ટોળું વિખરાયુ હતું. કોઈ અનીચ્‍છીય બનાવ ન બને તે માટે આસપાસના પોલીસ સ્‍ટેશનમાં થી પોલીસ કાફલો બોલાવવામાં આવ્‍યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં કેશોદ શહેરમાં બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી. કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળી, યશવંતભાઈ યાદવ, સંજયસિંહ ઝાલા, શબ્‍બીર ભાઈ દલ, કિરણભાઈ ડાભી, રાજેશભાઈ ચોચા, જયેશભાઈ ભેડા સહિતના પોલીસ સ્‍ટાફે ઉશ્‍કેરાયેલા ટોળાને કુનેહપૂર્વક સંયમથી સમજાવી પરિસ્‍થિતિ થાળે પાડી હતી

(1:05 pm IST)