Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ગુજરાતમાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ખાતરનો ભાવ વધારો પરત ખેંચી ખેડૂતોને રાહત આપો : ટિમ ગબ્‍બર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા,૪ : ‘ટિમ ગબ્‍બર' સંસ્‍થા ગુજરાતના જગના તાતની ફરી એક વાર વ્‍હારે આવી છે આ સંસ્‍થાના સ્‍થાપક અને સુરતના એડવોકેટ કાંતિ.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્‍યમંત્રી,કૃષિમંત્રી,તમામ જિલ્લા કલેક્‍ટર,પ્રાંત અધિકારી મામલતદાર વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, ગુજરાતમાં લાંબો સમય વરસાદ ન થવાના કારણે જેમને સિંચાઇની સગવડ નથી એવા ખેડૂતોના પાક તદ્દન નાશ પામ્‍યા છે ગુજરાતમાંᅠ સિંચાઇની સગવડ માત્ર ૪૭% ખેડૂતોને જ નસીબ છે, ૫૩% જેટલા ખેડૂતો તો માત્ર વરસાદી ખેતી ઉપર જ નભે છે.બીજી તરફᅠ જે ૪૭% જેટલા ખેડૂતોને સિંચાઇની સગવડ છે તેમાં સહુથી સસ્‍તી એવી નહેરની સગવડ તો માત્ર ૨૩% આસપાસ ખેડૂતોને જ મળે છે.

બાકીના ખેડૂતો વીજળીના ઊંચા બિલ ભરીને અથવા મોંઘા ભાવનું ડીઝલ બાળીને પોતાના પાક બચાવવા ખુબ મોંઘા બિયારણ, ખાતર, દવા, ડીઝલ અને મજૂરી ખર્ચ કર્યા પછી થઇ રહેલો એકધારો વરસાદ હવે લગભગ તમામ પાકો, કપાસ- મગફળી- ડુંગળી -સોયાબીન,કઠોળ-ડાંગરને બગાડી ચુક્‍યો છે. હવે જેમના ખેતર ઉંચાણ પર છે એવા ભાગ્‍યે જ કોઈ ખેડૂત ખેતરેથી ઘરે લાવે એવું કૈંક બચ્‍યું છે.આવા સંજોગોમાં એક બાજુ ખેડૂતોને પુરતી વિજળી મળતી ન હોય ત્‍યાં DAP ખાતરના ભાવમાં રૂ.૧૫૦ અને NPK ખાતરના ભાવમાં રૂ.૨૮૫ નો ભાવ વધારો થયેલ છે ખેડૂતો ઉપર પડ્‍યા ઉપર પાટુ મારવા સમાન છે.સરકાર તત્‍કાલ ધોરણે આ ભાવ વધારો પાછો ખેચે તે લાખો ખેડૂતોના હિતમાં છે,બિયારણ-ખાતર-દવા-ડીઝલ-મજૂરીના વધેલા ભાવોને કારણે ખેડૂતો લાચાર બની ગયેલ છે અને જગત તાત ચિંતિત બન્‍યા છે. સાથે સાથે જી.એસ.ટી.,નોટબંધી, દુકાળ,તૌકતે,પાછો સૂકો અને હવે લીલા દુકાળનો માર વેઠીને ગુજરાતનો ખેડૂત મરણીયો બન્‍યો છે ત્‍યારે ટિમ ગબ્‍બર ગુજરાત ખેડૂતો વતી ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરીએ છીએ અને ખેડૂતોને જીવાદોરી સમાન ખાતર ના ભાવ અંકુશ કરવા જરૂરી છે.

(11:57 am IST)