Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ધ્રોલના હમાપર નજીક નાથાબાપાના મંદિરે શ્રીમદ્‌ ભાગવત કથાનો દબદબાભેર પ્રારંભ

ડાંગર પરિવાર આયોજિત કથાના પ્રથમ દિવસે જ કથા સ્‍થળ શ્રાવકોથી ખીચોખીચ ઉભરાયું : રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેરે કથા શ્રવણનો લીધો અનન્‍ય લ્‍હાવો : વાજતે ગાજતે સંતોના સામૈયા વચ્‍ચે કથા સ્‍થળે પોથીની પધરામણી : ડાંગર પરિવારજનોમાં ઉત્‍સાહ : હમાપર નજીક ધાર્મિક વાતાવરણ ખડુ થયુ : શ્રાવકોનો જાણે મહેરામણ ઉમટયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪ : ધ્રોલના હમાપર નજીક શ્રી નાથાબાપાના મંદિરે રવિવારથી સમસ્‍ત ડાંગર પરિવારના પિતૃઓના સ્‍મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો દબદબાભેર પ્રારંભ થયો હતો. દોઢ કિમી દુર શ્રી રામજી મંદિરથી નાથાબાપાના મંદિર સુધી, આહીર સમાજના લોકોએ સમાજનો પોષાક ધારણ કરી શિસ્‍તબદ્ધ શોભાયાત્રા યોજીને કથા સ્‍થળે પહોચીને પોથીને ધામધુમથી પધરાવી હતી.
આજે કથા પ્રારંભના પ્રથમ દિવસે વવાણીયાના મહંત શ્રી પ્રભુદાસ બાપુના વરદ હસ્‍તે કથાનો મંત્રોચાર વચ્‍ચે સુભારામ કરાવાયો હતો ત્‍યારે માતૂશ્રી રામબાઈમા, જય મુરલીધરના નારાથી કથા સ્‍થળ ગુંજી ઉઠ્‍યું હતું. કેશુભાઈ નરસંગભાઈ ડાંગર તથા સમસ્‍ત ડાંગર પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્‍યાસાસને બિરાજીને શાષાી નાનાલાલ રાજયગુરુએ પોતાની આગવી શૈલીમાં કથાનો પ્રારંભ કરતા હમાપર સહીત આજુબાજુ રીતસરનું ધાર્મિક વાતાવરણ ખડું થઇ ગયું હતું.
કથા પ્રારંભ પહેલ મહંત શ્રી પ્રભુદાસ બાપુએ પર્સંગોચિત વક્‍તવ્‍યમાં કથા આયોજકો, શાષાી અને શ્રોતા ગણ અને ડાંગર પરિવારના સમાજ શ્રેષ્ઠીઓને આશીર્વાદ પાઠવ્‍યા હતા. કથા શ્રવણ માટે ડાંગર પરિવારજનો ઉપરાંત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડતા કથા સ્‍થળ શ્રાવકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.
ડાંગર પરિવાર દ્વારા આવી ભવ્‍ય શ્રીમદ કથાનું આયોજન થયાનું અખબારી અહેવાલોથી જાહેર થતા આજુબાજુના ગામો, શહેરો. ધાર્મિક સ્‍થળોના સંતો,મહંતો, આહીર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, રાજકીય-બિન રાજકીય આગેવાનો કથા સ્‍થળે પધારીને કથા શ્રવણનો અનન્‍ય લાભ લઇ રહ્યા છે.

કથા શ્રવણનો લાભ લેતા રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર
ધ્રોલ : હમાપર નજીક શ્રી નાથાબાપાના મંદિરે શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથાના આજના પ્રથમ દિવસે જ કોઈ પણ નાનપ અનુભવ્‍યા વગર રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર અહી આવ્‍યા હતા. અને ઉપસ્‍થિત સંતો-મહંતોના આશીર્વાદ મેળવીને કથા શ્રવણનો અનન્‍ય લાભ લીધો હતો.

કથાનુ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ
હમાપર નજીક શ્રી નાથાબાપાના મંદિરે, ડાંગર પરિવાર આયોજિત અને આજે રવિવારથી શરૂ થયેલી કથાનું ફેસબુક સહિતના શોશિયલ મીડીયાના માધ્‍યમથી જીવંત પ્રસારણ કરાતું હોય આજે પ્રથમ દિવસે જ હાજારો ધાર્મિક લોકોએ કથા શ્રવણનો ઘેર બેઠા લાભ લીધો હતો.

 

(11:12 am IST)