Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભચાઉ પાસે નર્મદા કેનાલમાં યુવાનનું મોત

મિત્રો સાથે કપડાં ધોતા શ્રમજીવીનો પગ લપસ્યો અને જીવ ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪

 કચ્છમાં નર્મદા કેનાલમાં અકસ્માતે ડુબવાના બનાવો વધતા બનાવો ચિંતાજનક છે. ભચાઉ તાલુકાના લુણવા ગામ પાસેથી પસાર થતી કચ્છ શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે વધુ એક યુવાને જીવ ખોયો હોવાની વિગતો સામે આવી છે. હતભાગી યુવાન કેનાલના કિનારે કપડા ધોવા બેઠો હતો ત્યારે પગ લપસી જતા કેનાલમાં ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લુણવા પાસેની કેનાલના કિનારે કપડા ધોવા માટે પરપ્રાંતિય યુવાન શ્રમજીવીઓ આવ્યા હતા અને કપડા ધોતી વગતે કેનાલના ઢાળ વાળા ભાગમાં પગ લપસી જવાના કારણે મુળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના લુણીરીંછા ગામના મીતુલ ખારોલ નામના યુવાનનું મોત નિપજયું હતું. કેનાલમાં પડેલા યુવાનને બહાર કાઢવા માટે શ્રમજીવીઓએ દોડા દોડી કરી હતી. જો કે શ્રમજીવીઓના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. યુવાનના મૃતદેહને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ભચાઉ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:18 am IST)