Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કચ્છમાં માછીમારોના બાળકો માટે ચાલતી શાળા અદાણી વિદ્યા મંદિર મળી NABETની માન્યતા

આ માન્યતા પ્રાપ્ત કરનાર સર્વ પ્રથમ ગુજરાત બોર્ડ શાળા, ૯ વર્ષ પહેલાં ભદ્રેશ્વર, મુન્દ્રા મધ્યે ડો. પ્રીતિબેન ગૌતમ અદાણીની પહેલથી શરૂ થઈ શાળા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છના મુન્દ્રા તા.ના ભદ્રેશ્વર ગામે આવેલી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શાળા અદાણી વિદ્યા મંદિર (AVMB)ને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ (NABET)ની માન્યતા મળી છે. આ શાળા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન શાળાઓમાંથી પહેલી શાળા છે જેને NABETની માન્યતા મળી છે. આ માન્યતા તેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) દ્વારા આપવામાં આવી છે. અદાણી વિદ્યા મંદિર (AVM) એક એવું સફળ મોડલ છે, જેને ફાઉન્ડેશને અન્ય સ્થળો પર પણ શરૂ કર્યું છે. 

AVMB એક અનોખી ગુજરાતી મીડિયમ વાળી કો-ઓજ્યુકેશન શાળા છે, જેની સ્થાપના જૂન 2012માં થઇ હતી. અહીં માછીમારો અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ ગૌતમભાઇ અદાણી દ્વારા આ શાળાના નિર્માણનો સફર, રાજ્યના સૌથી દૂર આવેલ વિસ્તારોમાંથી એકમાં શરૂ થયો. આર્થિક રીતે નબળા પણ પ્રતિભાવાન બાળકોને “શિક્ષણનું એક આદર્શ મંદિર” મળે તે હેતુંથી તેની શરૂઆત કરવામાં આવી છે. 

આ એક ડે-બોર્ડિંગ શાળા છે જ્યાં બાળકોને સવારનો નાસ્તો, બપોરનું ભોજન (પોષણયુક્ત આહાર), યુનિફોર્મ્સ, ટેક્સ્ટબુક્સ, નોટબુક્સ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુણવત્તાભેર શિક્ષણ મફતમાં આપવામાં આવે છે. આ શાળા એક અત્યાધુનિક ઇમારત ધરાવે છે, જ્યાં હવાની સારી અવરજવર છે, સાથે જ અહીં પ્રેરણાદાયી પ્રવૃત્તિ કેન્દ્રો, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, કોમ્પ્યુટર અને વિજ્ઞાન પ્રયોગશાળા, આર્ટ અને ક્રાફ્ટ રૂમ, સંગીતનો રૂમ જેવી વિવિધ સુવિધાઓ છે. આ લીલાછમ, સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાને ઓળખી, એક સફળ જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરાય છે. 

2019-20માં, કોરોના મહામારીની વચ્ચે AVMBએ NABETની માન્યતા મેળવવા માટે તૈયારી હાથ ધરી. તેણે સિસ્ટમના તમામ પાસાઓને આવરી લેતી શાળા માર્ગદર્શિકાને અનુસરવાનું શરૂ કર્યું. શાળાના વિઝન અને મિશનને અનુરૂપ ગુણવત્તાના ઉદ્દેશ્યોને અનુકૂલિત કરવામાં આવ્યા. સાથે જ અસરકારકતા અને પારદર્શિતા લાવવા માટે વર્તમાન સિસ્ટમમાં ફેરફારો રજૂ કર્યા. શિક્ષણ પ્રક્રિયાઓમાં 360˚ ફીડબેક મિકેનિઝમનું અમલીકરણ થયું અને વાર્ષિક અભ્યાસક્રમ યોજના વિકસાવી, જેથી ટીચિંગ-લર્નિંગ પ્રક્રિયામાં સંદર્ભીકરણ લાવવામાં આવ્યું, સાથે જ, રસ ધરાવતા પાર્ટીઝની જરૂરિયાતોને સમજી અને ગુણવત્તાના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવામાં આવ્યા. 

 

ફેબ્રુઆરી 2022માં AVMBએ,  QCI દ્વારા નિર્ધારિત ધોરણોનું અમલીકરણ કરી ફાઇનલ અસેસ્મેન્ટ માટે તૈયારી કરી. AVMB એ માર્ચ 2022માં NABETની માન્યતા મેળવીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી. 

શાળાએ તેના બધાજ સ્ટેકહોલ્ડર્સને તે વાતની ખાતરી આપેલ છે કે આ શાળામાં મફત શિક્ષણ મળે છે અને તે દેશ દ્વારા નિર્ધારિત સર્વોચ્ચ ધોરણોને ધ્યાનમાં રાખી, શૈક્ષણિક અને માનવીય શ્રેષ્ટતાના પ્રતીકસ્વરૂપ સાબિત થશે.

આ માન્યતાને મેળવવા, સ્કૂલનું મેપિંગ અને તેના વિઝન-મિશન તેમજ તેના ગુણવત્તા હેતુઓનું રિવ્યૂ કરી અનેક બદલાવો લાવવામાં આવ્યા છે.

(10:16 am IST)