Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભુજ: ફાઈનાન્સ ઓફિસમાં આઈપીએલ ક્રિકેટનું ઓન લાઈન સટ્ટા બેટિંગ ઝડપાયું

૯ ફોન સાથે ૪૨ હજારની રોકડ સહિત ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪:ક્રિકેટના સટ્ટા અંગે મળેલ પૂર્વ બાતમીના પગલે પશ્ચિમ કચ્છ LCBએ માધાપરમાં ઈવા આર્કેટ નામના કોમ્પ્લેક્સના પ્રથમ માળે ‘શિવશક્તિ એન્ટરપ્રાઈઝ' નામની ફાઈનાન્સ પેઢીમાં દરોડો પાડ્યો હતો. ફાઈનાન્સ પેઢી ચલાવતો અર્જુનસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ.૨૭, રહે. મહાદેવ હિલ્સ, નવાવાસ, માધાપ૨) અને જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫, રહે. જલારામ સોસાયટી, નવાવાસ, માધાપર) મોબાઈલ પર ઓનલાઈન આઈડી બનાવી રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પર સટ્ટો રમાડતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતા. દરોડા સમયે પેઢીમાં સટ્ટો રમવામાં સામેલ હરપાલસિંહ સામતસિંહ વાઘેલા (ઉ.વ.૨૬, કૈલાસનગર, ભુજ), મિલાપ નરેશચંદ્ર ગોસ્વામી (ઉ.વ.૨૪, ચિંતામણિ સોસાયટી, માધાપર), જીતેન્દ્ર ઊર્ફે જીગર વસંતભાઈ જોશી (ઉ.વ.૩૪, ખેતરપાળ મંદિર પાસે, માધાપર જૂનાવાસ), મંગલસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ. ૨૪, સુખપર જૂનાવાસ)ને પણ પોલીસે ઝડપી પાડ્યાં હતાં.

હરપાલસિંહે ઓનલાઈન સટ્ટો રમવા માટે ભુજના તેજ ઠક્કર નામના આરોપી પાસેથી બે લાખના કોઈનમાં આઈડી-પાસવર્ડ ખરીદ્યાં હોવાનું કબૂલતાં LCBએ તેજ ઠક્કર વિરુધ્ધ પણ જુગાર અટકાયતી ધારાની કલમ ૪ અને ૫ હેઠળ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીઓ પાસેથી ૪૨ હજાર રોકડાં અને ૧.૧૦ લાખની કિંમતના ૯ મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(2:05 pm IST)