Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભાવનગરમાં ભરબપોરે સામાન્ય બાબતે માતા-પુત્રી પર ચાર રાઉન્ડ ફાયરીંગ :દીકરીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કર્યો :ફાયરીંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ

ભાવનગર : શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં બપોરે ફાયરીંગની ઘટના બનવા પામી હતી. સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેના જ પાડોશી શખ્શે ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા માતા-પુત્રીને તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં ગત રાત્રીના સારવારમાં રહેલી પુત્રીની અવસાન થતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે. જયારે પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી ફાયરીંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ હાથ ધરી છે.

ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે બપોરે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોય જેને લઇ થયેલી બોલાચાલીમાં કરીમ નામના ઇસમે પોતાની પાસે રહેલા પીસ્તલ કે રિવોલ્વર જેવા હથિયાર વડે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જે ઘટનામાં ફાયરીંગ કરીને નાસી છૂટતો કરીમ સીસીટીવીમાં કેદ થયો હતો. તેની પાસે રહેલું પિસ્તોલ જેવું હથિયાર પણ નજરે પડી રહ્યું છે.

આ ફાયરીંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા તાકીદે બંનેને ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગત રાત્રીના સમયે સારવારમાં રહેલી પુત્રી ફરીયાલનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી આ બનાવમાં ફાયરીંગની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કરીમને ઝડપી લેવા અલગ અલગ ચાર ટીમો ની રચના કરી ચક્રો ગતિમાન કર્યા છે.

(11:18 pm IST)