Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

લાંચિયા કસ્ટમ અધિકારી શૈલેષ ગાંગદેવના રાજકોટ બેંક લોકરમાંથી રોકડ અને સોનાના બિસ્કીટ સહિત ૧૫ લાખનો મુદ્દામાલ મળ્યો

મુન્દ્રા પોર્ટમાં ૧ લાખની લાંચમાં ઝડપાયેલ શૈલેષ ગંગદેવના ઘેરથી પણ લાખોની રોકડ અને ૮ ડાયરીઓ મળી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ દાણચોરી કરતાં રાષ્ટ્રદ્રોહી તત્વોને લાંચ લઈ રાષ્ટ્ર હિતને નુકસાન કરતાં કસ્ટમ અધિકારીઓ, કસ્ટમ હાઉસ એજન્ટો સામે સરકાર જ્યાં સુધી સયુંકત તપાસ અને બેંક ની લેવડદેવડ ની ઘનિષ્ઠ તપાસ નહી કરે ત્યાં સુધી દાણચોરી ઉપર અંકુશ આવવો મુશ્કેલ છે. 

       મુન્દ્રા પોર્ટ ઉપર ૧ લાખની લાંચ લેતા ઝડપાયેલ બે કસ્ટમ સુપ્રી. અને વચેટિયા અંગે એસીબી એ તપાસ શરૂ કર્યા બાદ શૈલેષ ગંગદેવના ઘેરથી ૮ ડાયરીઓ અને ૧૪.૭૮ લાખ રૂ. રોકડા મળ્યા હતા અને રાજકોટ રહેતા આ અધિકારીના રાજકોટની બેંકમાં ત્રણ લોકર હોવાનું જાણવા મળ્યું હતું. આ કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટના બેન્ક લોકરમાંથી વધુ ૮.૯૭ લાખ રોકડાં અને ૬.૪૨ લાખના મૂલ્યનું ગોલ્ડ બિસ્કીટ મળી આવ્યું હતું.

 ચીનથી આયાત કરાયેલી હેન્ડબેગનું કન્ટેઈનર ક્લિયર કરાવવા માટે શૈલેષ મનસુખ ગંગદેવ અને પ્રીવેન્ટીવ બ્રાન્ચના સુપરિન્ટેન્ડેન્ટ આલોક દુબેએ વચેટિયા કસ્ટમ હાઉસ એજન્ટ વતી રાજકોટના વેપારી પાસે એક લાખની લાંચ માંગી હતી. એન્ટી કરપ્શન બ્યૂરોની ટૂકડીએ ૨૬ ફેબ્રુઆરીના રોજ મુન્દ્રા પોર્ટ ખાતે છટકું ગોઠવી ત્રણેને દબોચી લીધાં હતાં. બંદરો ઉપર વધી રહેલ વ્હાઈટ કોલર સ્મગલિંગ અટકાવવા કડક અને દેશદાઝ ધરાવતા અધિકારીઓ ની નિયુક્તિ કરવાની જરૂરત છે.

(10:01 am IST)