Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

મોરબી-કચ્છ વિસ્તારમાં સતત ત્રીજી વખત ઉમેદવાર વિનોદ ચાવડાને ૫ લાખ મતની વિક્રમી સરસાઈથી વિજયી બનાવવા ભાજપ કાર્યકરોનો સંકલ્પ

ભાજપ સંગઠનનો દાવો ૨૦૧૪ અને ૨૦૧૯ બાદ ૨૦૨૩ માં જીતી હેટ્ટ્રિક કરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ કેન્દ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા કચ્છ લોકસભા બેઠક પર લડવા માટે સતત ત્રીજી વખત વિનોદભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવતા આજરોજ રાત્રે કચ્છ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ વિનોદભાઈ ચાવડાને કાર્યકરોની બહોળી ઉપસ્થિતિમાં જોશભેર આવકારવામાં આવ્યા હતા. શ્રી ચાવડાના આગમન વેળાએ ભારત માતાકી જય અને વંદે માતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું અને ફટાકડા ફોડીને તેમની પસંદગી બદલ જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.

ત્યાર બાદ ઉપસ્થિત સર્વે કાર્યકરોએ પરસ્પર મોઢું મીઠું કરાવીને હરખ વ્યક્ત કર્યો હતો અને ત્યાર બાદ સૌએ શ્રી ચાવડાનું સન્માન કરીને તેમને જવલ્લંત વિજયની શુભકામના પાઠવી હતી. આ અવસરે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત કેન્દ્રીય નેતાગીરીનો આભાર માનું છું જેમણે મને ફરી એક વખત કચ્છની જનતાની સેવા કરવાની અમૂલ્ય તક આપી છે. કચ્છે મારા પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનો મેં હંમેશા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને જીવનપર્યંત કચ્છની આન, બાન અને શાન તેમજ ગૌરવમાં વધારો થાય એ માટે પ્રતિબદ્ધ રહીશ. 

      જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છની જનતા સદાય ભાજપ સાથે રહી છે અને આગામી દિવસોમાં ફરી એક વખત કચ્છની જનતાના વિશ્વાસ અને આશીર્વાદને સથવારે વિનોદભાઈ ૫ લાખની વધુ સરસાઈથી પ્રચંડ વિજય પ્રાપ્ત કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. 

       ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, લોકસભા વિસ્તારક વૈભવભાઈ બોરીચા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, મુકેશભાઈ ચંદે, મંત્રી વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, પ્રફુલસિંહ જાડેજા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, અનુ.જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઈ ગુસાઈ, લઘુમતી મોરચા પ્રમુખ આમદભાઈ જત, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણિ, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા ભાજપ હોદેદારો, ભુજ શહેર-તાલુકા હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેલ-મોરચાના હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(9:51 am IST)