Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખે જીતુભાઇ સોમાણી મુદ્દે વાંકાનેર ભાજપ પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારી

૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ટર્મથી ચૂંટણી લડનારને ટિકીટ ન આપવાના નિયમનું ઉલ્લંઘન થયુ ?

રાજકોટ,તા. ૪: મોરબી જિલ્લાની અંદર સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મોટા ભાગની સંસ્‍થાની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે જેથી કરીને કેસરિયો મોરબી જિલ્લો બન્‍યો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્‍તિ નથી પરંતુ આ ચૂંટણીની અંદર ભાજપને ભૂ પાઇને વાંકાનેર પાલિકામાં ઉમેદવાર બની ગયેલા વાંકાનેરના ભાજપના આગેવાનની સામે પગલાં લેવા માટે હાલમાં ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લજીભાઇ દેથરીયા દ્વારા હાલમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને દિનુભાઇ વ્‍યાસને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ યોજાઈ ત્‍યારે પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેના માટે થઈને ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરવામાં આવી હતી જેમાં ત્રણ ટર્મ ચુંટાયા હોય તેવા આગેવાનોને ટીકીટ દેવાની નહી, ૬૦ વર્ષથી મોટી ઉંમરના હોય તેવા આગેવાનોને ટીકીટ આપવાની નહી અને જે કોઈ હોદ્દેદાર હોય પાર્ટીની અંદર તેમના સગાઓને ટિકિટ આપવાની નહી તે નક્કી થયું હતું તેમ છતાં પણ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ભાજપને ભૂ પાઇને ભાજપના એક આગેવાન વાંકાનેર પાલિકાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીની અંદર ઉમેદવાર બની ગયા હતા જેથી કરીને હાલમાં હવે તેની સામે પગલાં લેવા માટેની કવાયત શરૂ કરે છે.

નગરપાલિકાની ટોટલ ૨૮ બેઠકો માટે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી યોજાવાની હતી અને આ ચૂંટણીની અંદર ભાજપ દ્વારા બસપા સાથે રહીને ૬ વોર્ડમાં ૨૪ ઉમેદવારો ઉભા રાખવાના હતા અને તેના માટે ભાજપના મવડી મંડળ તરફથી નામ પસંદ કરીને મોકલવામાં આવ્‍યા હતા જો કે,વાંકાનેર શહેરના વોર્ડ નંબર ૩ માટે ભાજપ દ્વારા જે ઉમેદવાર પસંદ કરીને તેનું નામ મોકલવામાં આવ્‍યું હતું તેના ડમી ઉમેદવાર તરીકે ભાજપના સ્‍થાનિક આગેવાન જીતેન્‍દ્રભાઈ કાંતિભાઈ સોમાણી (જીતુભાઈ સોમાણી) દ્વારા ફોર્મ ભરવામાં આવ્‍યું હતું અને ભાજપના સત્તાવાર ઉમેદવારના ફોર્મની અંદર ક્ષતિ જાણી જોઈને રાખવામાં આવી હોય જીતેન્‍દ્રભાઈ કાંતિભાઈ સોમાણી પાલિકાની ચૂંટણીની અંદર ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે આવી ગયા હતા.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્‍યાસને ગત તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ કારણદર્શક નોટીસ ફટકારી હતી જેમાં જણાવ્‍યું હતું કે વાંકાનેર નગરપાલિકાની સામાન્‍ય ચુંટણીમાં પ્રદેશ પાર્લામેન્‍ટ્રી કક્ષાના નિર્ણયની અવગણના કરેલ જેમાં ખુલાસા કરવા જણાવ્‍યું હતું જેમાં પ્રદેશ ભાજપની સ્‍પષ્ટ ગાઈડલાઈન પ્રમાણે ૬૦ વર્ષથી વધુ અને ૩ ટર્મ સત્તામાં રહેલ ઉમેદવારને ડમી ઉમેદવાર તરીકે રહેવાનું નથી પણ વાંકાનેર પાલિકામાં વોર્ડ ૦૩ માં જીતેન્‍દ્રભાઈ કાંતિલાલ સોમાણીને શા માટે ડમી ઉમેદવાર બનાવેલ ? વોર્ડ ૦૩ માં પાર્લામેન્‍ટ્રી બોર્ડ માન્‍ય ઉમેદવાર જગદીશભાઈ મણીલાલ રાજવીરનું ખામીવાળું ફોર્મ ભરવાનું કારણ શું ? અને વાંકાનેર નગરપાલિકામાં વોર્ડમાં આપણા ૨૪ ઉમેદવારમાં એક જ ફોર્મમાં ક્ષતિ રહેવાનું કારણ શું ?

 જે ત્રણેય મુદા અંગે પ્રદેશ ભાજપની ગાઈડલાઈનની અવગણના કરેલ હોય જે પક્ષને નુકશાન કરતુ હોવાનું જણાવીને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્‍યું હતું જોકે શહેર પ્રમુખે ખુલાસો આપ્‍યો ના હોવાનું દુર્લભજીભાઈ દેથરીયા પાસેથી જાણવા મળ્‍યું છે તેમજ કારણદર્શક નોટીસ છતાં ખુલાસો ના કરાયો હોય જેથી કાર્યવાહી કરવાના સંકેત પણ આપ્‍યા હતા.

આ અંગે દિનુભાઈ વ્‍યાસનો ફોન સંપર્ક કરતા મને નોટિસ ન મળી હોવાનું પણ કહ્યું હતું.

જો કે જીતુભાઇ સોમાણીનો ફોન ઉપર સંપર્ક સાધતા તેઓ પણ મળી શક્‍યા ન હતા. 

(11:59 am IST)