Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કચ્છના ઇતિહાસમાં કોંગ્રેસનો સૌથી કરૂણ રકાસ કરી દીધો : જીલ્લા ભાજપ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૩:  સ્થાનિક સ્વરાજય ચૂંટણીના પરિણામોમાં કચ્છવાસીઓએ વિકાસ અને વિશ્વાસના સહારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબેખોબા ભરીને મત આપીને કચ્છના રાજકીય ઇતિહાસનો એક ઐતિહાસિક વિજય પ્રદાન કર્યો છે ત્યારે આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે કચ્છની જનતા અને પક્ષના તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ માટે હર હંમેશ સતા એક સેવાનું માધ્યમ છે જે નિતીને કચ્છની જનતાએ સહર્ષ સ્વીકારી છે અને કચ્છના ઇતિહાસમાં કોંગ્રેસનો સૌથી કરૂણ રકાસ કરીને કચ્છની જનતા કચ્છમાંથી કોંગ્રેસને નામશેષ કરવા તરફ આગળ વધી છે. ભાજપની સેવા અને રાષ્ટ્રવાદની વિચારધારાને આવકારીને કચ્છીઓએ જે જબરદસ્ત પ્રેમરૂપી પરિણામ આપ્યું છે એ બદલ સમગ્ર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કચ્છની જનતાની સદાય ઋણી રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છવાસીઓના ભાજપ પ્રત્યેના ભરોસાનું વળતર આજે ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ કચ્છની ઉન્નતિ અને ઉત્થાન માટે આગામી પાંચ વરસ સુધી અવિરત મહેનત કરીને ચુકવશે એવી કચ્છની જનતાને પૂર્ણ શ્રધ્ધા સહ ખાતરી આપુ છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કંડારેલી વિકાસ કેડી પર પક્ષના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છને આગળ લઇ જશે એમાં કોઇ બે મત નથી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ  મહામંત્રીઓ અનિરૂધ્ધભાઇ દવે, વલ્લભજીભાઇ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ કચ્છની જનતા અને પક્ષના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:38 am IST)