Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબીની જે એ પટેલ મહિલા કોલેજ દ્વારા G૨૦ શિખર સંમેલન પર સેમીનાર યોજાયો.

G20 શિખર સંમેલનનાં અવેરનેસ માટે તમામ વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેમીનારમાં ૨૭૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

મોરબી :શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ, મોરબી દ્વારા G20 શિખર સંમેલનનાં અવેરનેસ માટે તમામ વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેમીનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જે સેમીનારમાં ૨૭૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો

આ સેમીનારમાં દર્શન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરતા અને એક્સપર્ટ ડો. ધવલ એમ. વ્યાસ એ ‘G20: Indian Presidency – Leading the World through वसुधैव कुटुंबकम्’ વિષય પર માહિતી સભર વક્તવ્ય આપ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં G20 આંતરરાષ્ટ્રીય સંમેલન ભારતમાં યોજાનાર છે જે આપણા સૌ ભારતીય માટે ગર્વની વાત છે. આ G20 સમિટ ભારતના સૌ યુવાનો માટે ઘણી બધી તકો લઈને આવી રહ્યું છે. આજ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને G20 વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સેમિનારમાં G20 સમિટ વિશે બધા જ મુદ્દાઓ આવરી લેવાયા હતા.
આ અંગે વાત કરતા ડો. ધવલ વ્યાસે જણાવ્યું હતું કે, ભારતનું G20 ‘વસુધૈવ કુટુંબકમ્’ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમને ધ્યાને લઈને  ઈકોનોમીક ડેવલપમેન્ટ, ગ્રીન ડેવલપમેન્ટ, વુમન ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ, ડીજીટલ અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેસન વગેરે જેવા મહત્વનાં મુદ્દાઓ પર કાર્ય કરવાનું છે.
આ સેમિનારમાં G20 એટલે શું? G20 ક્યારે શરૂ થયું? G20 સંગઠન કેવી રીતે કાર્ય કરે છે, તેનું માળખું શું છે, G20 માં જોડાયેલા મેમ્બર દેશો કોણ કોણ છે? G20 સંસ્થા કયા કયા મુદ્દા ઉપર કાર્ય કરે છે તેના વિશે નું વિસ્તૃત માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પણ G20 મહાશક્તિ છે. આ સંગઠનના સદસ્ય દેશો ભેગા મળીને વૈશ્વિક જીડીપીમાં 85% યોગદાન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આ બધા દેશો 75% યોગદાન આપી રહ્યા છે. વિશ્વની લગભગ 67% જન સંખ્યા G20 ના સદસ્ય દેશોમાં રહે છે.
આપણે જાણીએ છીએ કે ભારત દેશ શાંતિપ્રિય દેશ છે. આપણા વડાપ્રધાનએ પણ ‘આ સમય યુદ્ધનો નથી’ તેવી મુખ્ય વાત G20નાં અધ્યક્ષ સ્થાને કરેલી છે. આપણી ભારતીય પરંપરા મુજબ ફક્ત ભૌતિક સુખ મેળવવું એક માત્ર ઉદ્દેશ્ય નથી પરંતુ તેની સાથે આધ્યાત્મિક જ્ઞાન તથા બૌદ્ધિક વિકાસ પણ જરૂરી છે. ભારત આ વિચાર થકી સમગ્ર વિશ્વને દિશા દેખાડી રહ્યું છે.
G20 માં ભારતનો દબદબો વધી રહ્યો છે. વિશ્વભરમાં ચાલી રહેલ યુદ્ધ અને વૈશ્વિક મોંઘવારી હોવા છતાં પણ ભારત ખૂબ જ ઝડપી વિકાસ કરી રહ્યું છે.
આ શિખર સંમેલનથી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે વિશ્વ આખું ભારતના નેતૃત્વને ધીમે ધીમે સ્વીકારી રહ્યું છે. આજનું નવું ભારત જે પણ કાંઈ બોલે છે તેને વિશ્વ માત્ર સાંભળતું જ નથી પરંતુ તેમની અમલવારી પણ કરે છે. કોરોના જેવી કુદરતી આફત હોય કે પછી રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ હોય ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. આ બધા જ પડકારો અને મુશ્કેલીઓનું સમાધાન લાવવા માટે ભારત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આમ, આખા વિશ્વને ભારત તરફે ખૂબજ મોટી આશા છે.
આ સેમિનારમાં દર્શન યુનિવર્સિટીનાં ડો. નવજ્યોત રાવલ, પ્રોફેસર રામ ભરડા, પ્રોફેસર કિંજલ ઠાકર તથા શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. પ્રફુલ પટેલ, કો- ઓર્ડીનેટર પ્રોફેસર વનિતા કગથરા અને નોડલ ઓફિસર પ્રોફેસર મોનિકા માલવણીયા તેમજ કોલેજ ના અન્ય પ્રાધ્યાપક શ્રીઓ દક્ષાબેન, મંજુલાબેન, દલસાણિયા સાહેબ , ગોગરા સાહેબ, દિનેશભાઈ વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. આ  કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિ. ડૉ. પી. કે. પટેલ ખુબ જ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાયૅક્રમનું સંચાલન પ્રો. વનિતા કગથરા એ કર્યું હતુ

(11:53 pm IST)