Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ખંભાળિયાના રહેણાંક વિસ્‍તારમાં ઘરફોડી : અડધો કલાકમાં રૂા.૩.૩૩ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.  ૪ :  ખંભાળિયાના બંગલા વાડી વિસ્‍તારમાં શેરી નંબર ૮ ખાતે આવેલા શિવમ એપાર્ટમેન્‍ટમાં ચોથા માટે રહેતા મનીષભાઈ નરેન્‍દ્રકુમાર વિઠલાણી (ઉ.વ. ૩૭) એ ખંભાળિયા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ ગઈકાલે શુક્રવાર તારીખ ૩ ના રોજ સવારના તેઓ બેંકના કામે ગયા હતા. ત્‍યાર બાદ આશરે ૧૧ વાગ્‍યાના સમયે તેમના ધર્મ પત્‍ની પણ મકાન બંધ કરી અને બહાર ગયા હતા. સવારે ૧૧:૩૦ વાગ્‍યે જ્‍યારે મનીષભાઈ પોતાના ઘરે પરત ફર્યા, ત્‍યારે ઘરના મેન દરવાજા ખુલ્લા હતા અને બંનેના દરવાજાના નકુચા તૂટેલા હતા. આમ, તસ્‍કરોએ મકાનમાં પ્રવેશ કરી અને રૂમમાંરહેલો માલસામાન વેરવિખેર કરી, રૂમમાં રહેલો લાકડાનો કબાટ ફંફોસી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ રોકડા ઉપરાંત સોનાનો ચેન, વીંટી, નથડી, સોનાનો દાણો, ચાંદીના સિક્કા, ચાંદીના ગળામાં પહેરવાના પેન્‍ડલ સેટ, વિગેરે મુદ્દામાલ ઉસેડીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્‍યું હતું.

 આમ, રૂપિયા એક લાખ રોકડા ઉપરાંત રૂ. ૨.૩૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩,૩૩,૦૦૦ નો મુદ્દામાલ ચોરી થવા સબબ મનીષભાઈ નરેન્‍દ્રભાઈ વિઠલાણીએ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

માત્ર અડધો કલાક જેટલા સમયગાળામાં થયેલી આ ચોરીના બનાવે ભારે ચર્ચા સાથે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે.

(1:29 pm IST)